ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં બેફામપણે રેતી ચોરી થઈ રહી છે પરંતુ જિલ્લાના વહીવટી તંત્રની સાથે ભુસ્તર તંત્રએ જાણે આંખે પાટા બાંધી લીધા હોય તેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગર નજીક જ પેથાપુર અને સાદરા પાસે સાબરમતી નદીમાંથી બેફામપણે રેતીની ચોરી થઈરહી છે. ભુમાફિયાઓ હવે ફાઈટર મશીન મુકીને પાણીમાંથી રેતી કાઢી રહયા છે ત્યારે મુખ્ય એવી ભુસ્તર તંત્રની કચેરી પણ જાણે તમાશો જોઈ રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી એક બાજુ લીઝ ધારકોને ઓનલાઈન લીઝ ફાળવવાની જાહેરાત કરી પારદર્શક વહીવટની વાતો કરી રહયા છે પરંતુ ગેરકાયદેસર રીતે નદીઓમાંથી ચોરાતી રેતી મુદ્દે ભાજપ સરકાર ચુપ છે. ભુમાફિયાઓએ હવે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાંથી રેતી ચોરીને નદીઓને ખાલી કરી દીધી છે તેમ છતાં પાણી છે તેવા વિસ્તારોમાં પણ ફાઈટર મુકી તળીયામાંથી રેતી ચોરાઈ રહી છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર ગામ પાછળ સાબરમતી નદીમાં ફાઈટર મુકીને રેતીની ચોરી થઈ રહી છે.
આ વિસ્તારમાં લીઝ આપવામાં આવી હોવાનું કહીને ખેડૂતોની જમીન સુધી રેતી ચોરી લીધાના દાખલા છે જે મુદ્દે અગાઉ પણ ખેડૂતોએ ભુસ્તર તંત્રને રજૂઆત કરી હતી.
આ વિસ્તારમાં કદાચ લીઝ આપવામાં આવી હોય તો પણ પાણી હોય તે વિસ્તારમાં રેતી કાઢવી તે ગુનો બને છે ત્યારે જિલ્લાનું ભુસ્તર તંત્ર આવા ભુમાફિયાઓ સામે કેમ પગલાં ભરતું નથી તે સમજાતું નથી. આવો જ ઘાટ સાદરા ગામ પાસે પણ જોવા મળ્યો છે.
આ વિસ્તારમાં તો પૌરાણિક કિલ્લા સુધી ભુમાફિયાઓએ ખોદકામ કરી લીધું છે. ત્યારે જિલ્લામાં આ રેતી ખનન માફિયાઓની વધતી જતી ખોદકામ પ્રવૃતિ સામે ગાંધીનગરમાં બેઠેલા અધિકારી ઓ કયારે પગલાં ભરે છે તે જોવું રહયું બાકી પારદર્શક વહીવટની વાતો કાગળ ઉપર છે તે સ્પષ્ટ દેખાઈ રહયું છે.