કલોલ નગરપાલીકામાં વર્ષ ૨૦૦૨થી ભાજપ સત્તામાં હતુ. ચાલુ બોડીમાં પ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા પ્રમુખની ચુંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસે ભાજપના ચાર કાઉન્સીલરો તોડી ૧૮ વર્ષ બાદ નગરપાલીકામા રહેલા ભાજપની સત્તા પર કબ્જો મેળવ્યો હતો. ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં આવેલા કાઉન્સીલર તિમિરભાઇ જયસ્વાલને નગરપાલીકા પ્રમુખ પદ તેમજ કોંગ્રેસના કાઉન્સીલર પ્રકાશભાઇ વરગડેને ઉપપ્રમુખ પદે નિયુક્તી કરવામાં આવી હતી.
૨૦૧૬માં યોજાયેલી નગરપાલીકાની ચુંટણીમાં ૪૪ કાઉન્સીલરોમાં ૨૪ કાઉન્સીલરો ભાજપના તેમજ ૨૦ કાઉન્સીલર કોંગ્રેસના વિજેતા થયા હતા. પાલીકાના પ્રથમ અઢી વર્ષના પ્રમુખ પદે ભાજપના આનંદીબેન પટેલે શુકાન સંભાળ્યુ હતું. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ફરી એક વાર પાલીકાના પ્રમુખ પદ માટે ચુંટણી યોજાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપના અસંતુષ્ટ ચાર કાઉન્સીલરોને તોડી ૧૮ વર્ષબાદ કોંગ્રેસને સત્તા પર બેસાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પ્રજાએ પર વિશ્વાસ મુક્યો હતો પણ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર લાખ્ખો રૂપિયા આપી લાલચુ સભ્યોને લઇ ગયા હોવાનો આક્ષેપ શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલે કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે પ્રજાનો જનાદેશ નકારી આ સભ્યોએ લાલચમાં આવી જઇને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
પક્ષ પલ્ટો કરનાર નગરપાલીકાના નવ નિયુક્ત પ્રમુખ તિમિર જયસ્વાલે કહ્યુ કે પાલીકાના સાશનમાં મારી અવગણના થતી હતી. સત્તા હોવા છતા મારા વોર્ડના કામો માટે ન્યાય મળતો ન હતો. જેથી મે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ સાથે જોડાયો હતો.