પાક. જેલમાં કેદ અમદાવાદનાં કુલદિપ યાદવના બહેનને નોકરી આપવા હાઇકોર્ટનો આદેશ

1121

છેલ્લા ૨૪ વર્ષથી પાકિસ્તાનની કોટ-લખપત જેલમાં જાસૂસીના આરોપ સર આજીવન કેદની સજા કાપી રહેલા અમદાવાદી કુલદિપ કુમાર યાદવની બહેનને આજે ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. કુલદિપ યાદવને પાકિસ્તાનથી ભારત પરત લાવવા માટે લડતી કુલદિપ યાદવની બહેન રેખા યાદવને સરકારી નોકરી આપવા માટે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે.

અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા રેખા યાદવે ૨૦૧૪માં ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. આ પિટીશનમાં રેખા યાદવે અરજ કરી હતી કે, છેલ્લા ૨૪ વર્ષથી તેમનો પરિવાર કુલદિપ યાદવને ભારત પરત લાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છે. આ લડતમાં તેમના માતા-પિતા પણ મૃત્યુ પામ્યા. દરેક સરકારોએ આશ્વાસનો આપ્યા પણ કોઇ સરકારે નક્કર કામ કર્યુ નહી અને લડત લડીને થાકી ગયા. આથી રેખા યાદવે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર પાસેથી નાણાકિય વળતરની માંગણી કરી હતી. જો કે, ગુજરાત હાઇકોર્ટે રેખા યાદવની માંગણી અંશતઃ સ્વીકારી અને આ કિસ્સાને જુજ કિસ્સા તરીકે ગણી કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે, રેખા યાદવને નોકરી પર રાખે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રેખા યાદવે એવું વ્રત લીધુ છે કે, જ્યાં સુંધી તેમનો ભાઇ કુલદિપ યાદવ પાકિસ્તાન જેલમાંથી ભારત પરત નહીં આવે ત્યાં સુંધી તે લગ્ન નહીં કરે. કુલદિપ યાદવને પાકિસ્તાને જાસુસીના આરોપ સર ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને આજીવન કેદની સજા સંભળવવામાં આવી હતી.

ઘટના એવી છે કે, ૧૯૯૭માં ભારતીય માછીમાર પાકિસ્તાન જેલમાંથી ગુજરાત પરત આવ્યા અને કુલદિપ યાદવના પરિવારને જાણકારી આપી હતી કે કુલિદપ પાકિસ્તાન જેલમાં કેદ છે. આ જાણાકારી મળ્યા બાદ પરિવારે તેને પાછો લાવવા માટે પ્રયત્નો આદર્યા હતા. કુલદિપ યાદવે શાસ્ત્રમાં સ્નાતક છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો છે.

Previous articleકોટડિયાને ભાગેડુ જાહેર કરી દેવા કોર્ટ પાસે માંગેલી મંજૂરી
Next articleખુશી આપઘાત કેસ