રાજ્યભરની સાથોસાથ આ વર્ષે ભાવનગરમાં પણ ઉનાળાના દિવસો આકરા રહ્યાં હતા ત્યારે હાલના સમયમાં ચાલી રહેલ અધિકમાસ તથા રમજાન માસમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો લગભગ ૪૦ ડિગ્રી ઉપર રહેવા પામ્યો છે ત્યારે આજે હિન્દુ સમાજના પવિત્ર એવા પરશોત્તમ માસ-અધિક માસના અંતિમ દિવસે તો ભાવેણાના આકાશમાંથી અગનગોળા વરસ્યા હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો. ૪૧.૮ ડિગ્રી તાપમાન સાથે રાજ્યભરમાં ભાવનગર સૌથી હોટ સીટી બન્યું હતું.
ઉત્તર ભારત સહિતના રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં પણ ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે છતાં સુર્યનારાયણ પોતાનો પ્રકોપ ઓછો કરતા ન હોવાનો અનુભવ સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકો કરી રહ્યાં છે. ખાસ કરીને ભાવનગરમાં છેલ્લા કેટલાયે સમયથી મહત્તમ તાપમાનનો પારો સ્થીર થયો હોય તેમ ૪૦ ડિગ્રી ઉપર રહેવા પામ્યો છે અને હિન્દુ-મુસ્લિમ સમાજના પવિત્ર તહેવારોમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં છે ત્યારે આજે પણ સવારથી જ ગરમીનો પ્રારંભ થતા બપોર સુધીમાં તો મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ હતું.
હિન્દુ સમાજમાં પવિત્ર અધિક માસનો આજે અમાસના દિવસે અંતિમ દિન હોય લોકોને કાળઝાળ ગરમીમાં પૂજા-અર્ચના તેમજ દાન-ધર્મ કરવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના આજે ર૮માં રોજામાં રોજેદારોને કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાના કારણે દિવસ પસાર કરવામાં ભારે તકલીફ ભોગવવી પડી હતી.
ચોમાસુ નજીક આવતું જાય છે તેમ ગરમી ઘટવાના બદલે ભાવનગરમાં વધી રહી છે. આજે રાજ્યભરમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો. જ્યારે બીજા નંબરે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી નોંધાયું હતું અને સુરેન્દ્રનગરમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ૪૦.ર ડિગ્રી નોંધાવા પામ્યું હતું ત્યારે હવે રાજ્યભરની સાથોસાથ ભાવેણાવાસીઓ વહેલી તકે વરસાદ પડે અને વાતાવરણમાં ઠંડક થાય તેની રાહ જોઈ રહ્યાં છે.