ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પોતે નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવા સંકેત આપ્યા છે. બાયડમાં એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં હાજરી આપવા આવ્યા ત્યારે મીડિયાના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ચુંટણીઓ બહુ લડ્યા હવે તેનું મહત્વ નથી હવે સમાજના પ્રશ્નો માટે લડવાનું છે.
કૉંગ્રેસના વિધાનસભા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા આજે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના મત વિસ્તાર બાયડમાં એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં હાજરી આપવા આવ્યા હતા. જ્યાં તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણી લડવા બાબતે જણાવ્યું હતું કે ચૂંટણીઓ બહુ લડ્યા હવે સમાજના પ્રશ્નો માટે લડવાનું છે તેમજ આજમખાન અને અખિલેશ યાદવે ગુજરાત માં કોઈ શહીદ નથી એ બાબતે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ નિવેદન રાજકીય નિવેદન હતું સમાજ નો ડોક્ટર પોલિટિશિયન છે તેમ જણાવ્યું હતું.
બાપુએ તેમની સોશિયલ મીડિયા પર ટિ્વટર પરથી ફોલોઈંગ બંધ કરતાં અને ભાજપ વિરોધી કોમેન્ટ્સ પણ હટાવી દેતાં બાપુ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. ટિ્વટર એકાઉન્ટ પરથી કોઈને ફોલો નથી કરતા. તેમણે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સુધ્ધાંને ફોલો કરવાનું બંધ કરી દીધું છે અને અત્યારે તેમનું ટિ્વટર હેન્ડલ ઝીરો ફોલોઈંગ બતાવે છે. આ ઉપરાંત તેમણે ટિ્વટર એકાઉન્ટમાંથી ભાજપ વિરોધી તમામ કોમેન્ટ્સ પણ દૂર કરી દીધી છે. બાપુએ અચાનક જ આ પગલું ભરતાં બાપુનો ભાજપ પ્રવેશનો તખ્તૌ તૈયાર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી છે. બાપુ એકાદ-બે દિવસમા જ તેમના ભાજપ પ્રવેશની જાહેરાત કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાત આવશે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી અફવાઓ પણ બજારમાં જોરશોરથી ચાલી રહી છે.
નરેન્દ્ર મોદી આગામી ૨૨ અને ૨૩ મેના રોજ ગુજરાતના મહેમાન બનવાના છે. આ પૈકી મોદી ૨૨ મેના રોજ ગાંધીનગરમાં આફ્રિકન બેંકના એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. બીજા દિવસે તે કચ્છ જવાના છે પણ એ પહેલાં ભાજપની જાહેર સભાનું આયોજન કરાય અને તેમાં વાઘેલાની ઘરવાપસીની જાહેરાત કરાશે તેવી અફવા છે. બાપુએ અરવલ્લી જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી લડવા અંગેના સવાલનો જે જવાબ આપ્યો તેના કારણે એવી અટકળો તેજ બની છે કે બવે બાપુ ચૂંટણી નહીં લડે. બાપુને પત્રકારોએ સવાલ કર્યો હતો કે, બાપુ આ વખતે તમે ક્યાંથી ચૂંટણી લડશો ? બાપુએ પહેલાં તો તેના જવાબમાં હળવાશથી એવું કહ્યું હતું કે, તમે કહો ત્યાંથી લડીશ.
જો કે પત્રકારોએ સવાલ દોહરાવતાં બાપુએ એવો જવાબ આપ્યો હતો કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ બહુ લડી લીધી. હવે ચૂંટણીઓ ક્યાંથી લડવાની ને એવું બધું ના હોય પણ લોકોની સમસ્યાઓનો કઈ રીતે ઉકેલ લાવવાનો હોય તેની વાત હોય. બાપુનો આ જવાબ એ ચૂંટણી નહીં લડે તેના સંકેતરૂપ મનાય છે.