હાર્દિકનો ચોંકાવનારો દાવો : મુખ્યમંત્રી રૂપાણી બદલાશે, પાટીદાર બનશે સીએમ

1798

પાસના કન્વીનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલના એક વિવાદીત નિવેદનને લઇ રાજયભરમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. આજે રાજકોટ આવેલા હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી ૧૦ દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે. તો બીજી તરફ આ સમગ્ર મામલા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ અંગે મને કંઈ ખબર નથી. રાજીનામું કેબિનેટમાં નહીં રાજ ભવનમાં આપવાનું હોય છે. હાર્દિક જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છે. રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. બીજીબાજુ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રૂપાણીના બચાવમાં ઉતરી આવ્યા હતા અને જણાવ્યું કે, કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે, જય-વીરુની જોડી અકબંધ રહેશે. પાસના નેતા હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે કેબિનેટની બેઠક મળી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લઇ લેવાયું છે. તેમનું રાજીનામું આગામી દિવસોમાં મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. પ્રદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ દલસાણીયાના નામ હાર્દિકે સીએમના દાવેદાર માટે લીધા હતા. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. વિજયભાઇ રૂપાણી ગુજરાતના સીએમ બન્યા છે ત્યારથી કાનૂની વ્યવસ્થાથી લઇ રાજ્યની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા ન સંભાળી શકવાના કારણો છે. આગામી લોકસભામાં જો વિજયભાઇ જ સીએમ હશે તો ગુજરાતમાં લોકસભાની અમુક બેઠકો ગુમાવવાનો વારો આવશે અને તેથી હાઇકમાન્ડે સીએમ બદલાવવાનો નિર્ણય કર્યો છે તેવો હાર્દિકે કટાક્ષ કર્યો હતો. તમારી વાત અફવા છે તેવી રૂપાણીની પ્રતિક્રિયાને લઇ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં હાર્દિકે જણાવ્યું કે, જો મારી વાત અફવા હોય તો શું કામ મીડિયા ચલાવે છે, સમય આવ્યે બધું ખબર પડી જશે. મારો દાવો છે કે, ક્ષત્રિય કે પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની ભાજપને ઇચ્છા છે. વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિકે મહાક્રાંતિ સભા યોજી હતી. જો કે તે મેદાનમાં પટેલ સમાજનું સંમેલન કરવાની મંજૂરી હતી અને તેના બદલે સભા યોજી હતી તેને લઇ માલવિયા નગર પોલીસસ્ટેશને ગુનો નોંધ્યો હતો. આ ગુનાને લઇ આજે હાર્દિક રાજકોટ આવ્યો હતો અને જવાબ રજૂ કર્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશન બહાર હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાસના કાર્યકરો ઉમટી પડ્‌યા હતા.  આ વખતે હાર્દિકે ઉમેર્યું કે, જે તે સમયે અમે સભા માટે મંજૂરી લીધી જ હતી છતાં પણ ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના શાસનમાં રાજયના ખેડૂતોની હાલત ખરાબ છે તેમને પોષણક્ષમ ભાવ તથા પાકવીમાના મુદ્દે ઘણીબધી તકલીફો હોવાથી તેઓ આંદોલન કરી રહ્યા છે. પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે.

Previous articleપૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પડતો મુકી નિતીન પટેલ દિલ્હી પહોંચ્યા : રાજકિય માહોલ ગરમ બન્યો
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી અને મહારાણા પ્રતાપનો આજે જન્મદિવસ