મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું છે કે, પ્રજાના પ્રશ્નનો સત્વરે નિકાલ થાય તથા મહેસૂલ અને પંચાયત વિભાગના વહીવટી અને વિકાસ કામોમાં વધુ ઝડપ લાવીને ઝડપી નિરાકરણ થાય તેવા પ્રયાસો હાથ ઘરી જિલ્લા વહીવટી તંત્ર એ વધુ સજ્જતા કેળવવા જણાવ્યું હતું. ગાંધીનગર જિલ્લાની મહેસૂલી પંચાયત અને સીટી સર્વેની કામગીરીની સમીક્ષા અંગે યોજાયેલ બેઠકમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આધાર નોંધણી, બિનખેતીના કેસો, જિલ્લાની વસૂલાતની કામગીરી, સુજલામ સુફલામ યોજના, પ્રમોલગેશલની કામગીરીની સમીક્ષા કરી એ.ટી.વી.ટી.ના વિકાસ કામો ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાની ઉપસ્થિતમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં જિલ્લાની સર્વગ્રાહી કામગીરી અને પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન દ્વારા નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાએ વિસ્તૃત માહિતી દ્વારા મંત્રી કૌશિકભાઇ પટેલને વાકેફ કર્યા હતા.
ગાંધીનગર જિલ્લામાં તુમાર નિકાલ ઝુંબેશમાં ૮૦ ટકાથી વધુકામગીરી પૂર્ણ થઇ છે. જયારે આધાર નોંધણી અંગે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૪ લાખ ૫૩ હજારથી વધુ નોંધણી કરી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સ્વાગત ઓન લાઇન કાર્યક્રમ અન્વયે રાજય સ્વાગતમાં ૯૧ ટકા, જિલ્લા સ્વાગતમાં ૯૬ ટકા, તાલુકા સ્વાગતમાં ૯૯ ટકા અને ગ્રામ્ય સ્વાગતમાં ૮૧ ટકાથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જન સેવા કેન્દ્રમાં માર્ચ – ૨૦૧૮ અંતિત છેલ્લા એક વર્ષમાં ૧,૫૧,૩૪૭ અરજીઓ પૈકી ૧,૪૯,૪૯૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય કક્ષાએ પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર નિકાલ કરવાના રાજય સરકારના અતિ અગત્યના એવા સેવાસેતું કાર્યક્રમમાં ત્રણ તબક્કામાં ૨,૯૫,૮૦૩ લાભાર્થીની અરજીનો નિકાલ કરી સમગ્ર રાજયમાં ગાંધીનગર જિલ્લાએ બીજો ક્રમ હાંસલ કર્યો છે. સંકલન અને ફરિયાદ સમિતિના પ્રશ્નોમાં એપ્રિલ-૨૦૧૭ થી મે-૨૦૧૮ સુધીમાં ૧૨૩ પ્રશ્નો પૈકી ૧૧૬ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો છે. બિનખેતીના એપ્રિલ-૨૦૧૮ થી તા.૧૪જૂન, ૨૦૧૮ સુધીમાં આવેલા ૪૫૬ કેસમાંથી ૩૮૫ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.
તાજેતરના સુજલામ સુફલામ જળ સંચય અભિયાનના માસ્ટર પ્લાન મુજબ ૧૩૮ તળાવ ઉંડા કરવાના લક્ષ્યાંક સામે ૧૫૧ તળાવ ઉંડા કરી ૧૧૦ ટકા સિધ્ધિ હાંસલ કરી છે. ૪૭ જેટલી સંસ્થાઓને સાંકળીને ૭.૩૭ લાખ ધનમીટર માટીનું ખોદકામ દ્વારા ૨૬ મિલિયન ધનફૂટ પાણીની સંગ્રહ શક્તિમાં વધારો કરાયો છે.
ગાંધીનગર જિલ્લામાં તાજેતરમાં પૂર્ણ થયેલ સ્વચ્છતા અભિયાન અન્વયે ૨૫૮ ટન ધન કચરાનો જથ્થો તથા ૧૪૨૦ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો એકઠો કરવામાં આવ્યો છે. જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની નવી શરતની જમીન જૂની શરતમાં પ્રીમીયમ વિના ફેરવા પાત્ર ૮૩૯૦ સર્વે નંબર પૈકી ૮૦૨૮ સર્વે નંબરનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકી રહેલ કામગીરી માસના અંતે પૂર્ણ કરવામાં આવશે. હક્કપત્રકની નોંધોના નિકાલમાં જિલ્લાએ ૯૯.૯૯ ટકા કામગીરી પૂર્ણ કરી છે.મંત્રી કૌશિકભાઇ પટેલે ગાંધીનગર જિલ્લાની સર્વગ્રાહી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.