તા. ૨૯ સપ્ટે.ના રોજ મોડી સાંજે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામભાઈ પરમારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ તથા લંગાળા ગામે વિકાસલક્ષી કામોનુ ખાતમુહુર્ત તથા લોકાર્પણ કર્યુ હતુ.
મંત્રીએ ચિત્રાવાવથી ઉજળવાવ ગામ સુધીના ૨.૭ કીલોમીટર લંબાઈના અને રૂપિયા ૧.૧૮ કરોડના ખર્ચે બનનારા રોડના કામનું તેમજ લંગાળાથી ઝાંઝમેર ગામ સુધીના ૨.૭ કીલોમીટર લંબાઈના અને રૂપિયા ૧.૩૦ કરોડના ખર્ચે બનનારા રોડના કામનું ખાતમુહુર્ત તથા લંગાળા ગામે રૂપિયા ૪૫ લાખના ખર્ચે નિર્માણ પામેલા પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કર્યુ હતુ.
આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે રાજ્યની સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ અર્થે પ્રતિબદ્ધ છે. ગામડુ, ગરીબ અને ખેડુતનો વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. ગામડામાં લાઈટ, પાણી અને રસ્તાની સમસ્યા દુર થવાના કારણે લોકો સ્થળાંતર કરતા અટકવા લાગ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે નિરાધાર બાળકના માટે પાલક માતા પિતા યોજના થકી બાળકની સાર સંભાળ રાખનારા તેના સ્વજનો ને દર મહિને રાજ્ય સરકાર ત્રણ હજાર રૂપિયા ચુકવે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દરરોજ ૧૮ કલાક કામ કરીને દેશને પ્રગતિના રસ્તે દોરી રહ્યા છે. નર્મદા યોજના સાકાર થવાના કારણે ગુજરાતની પાણી ની સમસ્યા હલ થઈ છે. આ કાર્યક્રમમાં ઉમરાળાના અગ્રણી પેથાભાઈ આહિર, પ્રતાપભાઈ આહિર, ઢસાના અગ્રણી જગદીશભાઈ ભીંગરાડીયા, લંગાળાના સરપંચ હરેશભાઈ, તાલુકાના અગ્રણીઓ કાળુભાઈ ડાંગર, નરેશભાઈ, વિક્રમસિંહ, વનરાજસિંહ તથા તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,માર્ગ અને મકાન વિભાગના ધરતીબેન સાધુ, ધીરેનભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.