ભાવનગર એસ.ટી. ડેપોને ત્રણ નવી નક્કોર બસની ફાળવણી કરવામાં આવી છે. આ બસ આવતાની સાથે જ ભાવનગર ડેપો દ્વારા અલગ અલગ ત્રણ રૂટ પર સેવા શરૂ કરી દેવામાં આવી છે.
ભાવનગર એસ.ટી.ડેપોમાં હાલ અનેક બસો ઓવર એજ હોવા સાથે કંડમ હાલતમાં છે છતા પણ દોડાવવામાં આવી રહી છે નવી બસોની માંગ પણ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીઆરટીસી)દ્વારા અશોક લેલન્ડ તથા ટાટા પાસેથી બસ ખરીદવામાં આવતી હતી પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એસ.ટી. તંત્રને ઘર આંગણે બસ નિર્માણ કરી આ બસો સેવામાં લેવા જણાવેલ આથી સ્ટેટના મુખ્ય વર્કશોપ એવા અમદાવાદના નરોડા ખાતે આવેલ હેડ વર્કશોપ ખાતે એસ.ટી. બસોનું નિર્માણ શરૂ કરાવામાં આવ્યુ છે.
મધ્યપ્રેદશની એક કંપની પાસેથી બોડી ચેસીસ મંગાવી નરોડા ખાતે મોડીફાઈ કરી આ બસોને પરિવહન માટે યોગ્ય કરવામાં આવે છે. આ રીતે મોટા પાયે બસોનું નિર્માણ કરી રાજ્યના વિવિધ ડેપોમાં જરૂરીયાત મુજબ સપ્લાય કરવામાં આવે છે. ભાવનગર ડેપો દ્વારા પણ લાંબા સમયથી નવી બસોની માંગ કરવામાં આવી રહી હોય આથી હાલ વ્હાઈટ એન્ડ ગ્રે કલરની ત્રણ બસો ભાવનગર ડેપોને પ્રાપ્ત થઈ છે.
આ બસ ભાવનગરથી દિવ, તથા આજે ડેપોથી મોરબી અને રાજકોટ રૂટને સાકળતી સેવા શરૂ કરવામાં આવી છે. એસ.ટી. વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ હજુ વધુ બસોની ફાળવણી કરવામાં આવશે ભાવનગર સિવાય મહુવા, પાલિતાણા તથા બરવાળા ડેપોને પણ નવી બસો ફાળવવામાં આવી છે.