શહેર-જિલ્લામાં વિજયા દશમીની ઉજવણી

743
bvn1102017-22.jpg

ભાવનગર શહેર તથા જિલ્લામાં લોક પરંપરાગત મુજબ વિજયાદશમી-દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શસ્ત્રપુજન રાવણ દહન, રેલી સાથે નવરાત્રીના અંતિમ દિન દશેરાની ધર્મમય માહોલ વચ્ચે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી.
આદિકાળથી પ્રચલીત ભગવાન રામ દ્વારા અસુરકુૃળના મહાદૈત્ય રાવણ, કુંભકર્ણ, મેઘનાદનો વધ કર્યો હતો. અમરાંગણમાં અસુરીમાળા પર સુરી શક્તિના આ વિજયી મહોત્સવને હજારો વર્ષોથી લોકો દ્વારા વિજય દશમી એટલે કે દશેરા પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. માતા આદ્ય શક્તિના પરમ પાવન ભક્તિના નવલા દિવસો-નવરાત્રીનું પણ દશેરાના દિવસે સમાપન કરવામાં આવે છે. આજના પર્વએ શહેર તથા જિલ્લામાં ક્ષત્રિય-રાજપુતન સમાજ દ્વારા પરંપરાગત રીતે શાસ્ત્રોકત શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ. ભાવનગર જિલ્લા પોલીસ મથક તથા તાલુકા પોલીસ મથકોએ પણ પોલીસ જવાનો દ્વારા આયુધોનું પુજન કરવામાં આવ્યુ હતુ. નવલા નોરતાના અંતિમ દિને જિલ્લામાં અનેક ગામડાઓમાં માતાના સ્વાંગ દર્શન સાથે ચંડીહોમ હવન સાથે સાંજે ગરબાનું નિજ મંદિરોમાં સ્થાપન કરવામાં આવ્યુ હતુ. ભાવનગર શહેરના પૂર્વ અને પિશ્ચમ  વિસ્તારમાં પ્રતિ વર્ષ અનુસાર આ વર્ષે પણ ચિત્રા માર્કેટ યાર્ડ ખાતે પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી પ્રેરીત રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. એ જ રીતે જવાહર મેદાન ખાતે પણ સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરવામાં આવ્યુ હતુ. ક્ષત્રિય સમાજે આજરોજ પરંપરાગત શસ્ત્ર પુજન કરી શસ્ત્રો સાથે વાહન રેલી યોજી હતી.
તો બીજી તરફ આજે માં અંબાને જલેબી તથા ચોળાફળીનો ભોગ પ્રસાદ થશે. લોકોએ પણ ફાફડા-જલેબી, ચોળાફળીની મન ભરીને જયાફત માણી હતી. આજના દિને શુભ મુર્હુતમાં લોકોએ મિલ્કત, વાહન વસ્તુઓની પણ મોટા પ્રમાણમાં ખરીદી કરી દશેરા પર્વને યાદગાર બનાવ્યુ હતુ. 
 

Previous articleશહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજીયા પડમાં આવ્યા
Next articleરાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ગાંધીમિત્ર એવોડ્‌ર્સ-૨૦૧૭ એનાયત