ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમએ પેટ્રોલીંગ દરમ્યાન એક મોબાઈલ ચોરને ઝડપી લઈ ૪ જેટલી મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી રૂા.૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એલસીબી પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હોય તે વેળાએ એવા પ્રકારે બાતમી મળી હતી કે, શિવાજીસર્કલ, ઘોઘારોડ પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોબાઈલ ફોન રાહદારીઓને બતાવી તેનું વેચાણની પેરવી કરી રહ્યો છે. આથી પોલીસે તે સ્થળે પહોંચી શંકાસ્પદ મોબાઈલ વેચવા મથી રહેલ પ્રદ્યુમનસિંહ જગદિશસિંહ ગોહિલ રે.ઘોઘારોડ, મફતનગર, મુળ ગામ પાણીયાળા તા.તળાજાવાળાને અટક કરી તલાશી લેતા તેના કબ્જા તળેથી અલગ-અલગ કંપનીના મોબાઈલ નંગ-૭ તથા બેટરી નં.૧ અને રોકડ રૂા.રર હજાર મળી કુલ રૂા.૯ર,૭૦૦નો મુદ્દામાલ મળી આવતા મોબાઈલના બીલ કે યોગ્ય દસ્તાવેજ તપાસ અર્થે માંગતા ઝડપાયેલ શખ્સ યોગ્ય ખુલાસો કે સંતોષકારક જવાબ ન આપી શકતા તેને પોલીસ મથકે લાવી આગવીઢબે પુછપરછ હાથ ધરતા તેણે એવી કબુલાત આપી હતી કે, શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરી લોકોને સસ્તા ભાવે વેચી રહ્યો હતો. આથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જો કર્યો હતો. વધુમાં આ શખ્સે ઘોઘારોડ પર આવેલ એક મકાનમાંથી દાગીનાની પણ ચોરી કર્યાની કેફીયાત આપતા તેના વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.