સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ મેલેરિયાલક્ષી હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ ૧૫૦૦થી વધુ આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં ત્રણ લાખ ઘરોની કુલ ૧૩ લાખ વસ્તીને આવરી લેવામાં આવી હતી. જેમાંથી ત્રણ હજાર જેટલા તાવના દર્દીઓ મળી આવ્યા હતા જ્યારે કુલ ૧૩ હજાર જગ્યાએથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા જેનો તાત્કાલિક નાશ કરીને ગામોમાં આરોગ્યલક્ષી જાગૃતિ પણ ફેલવવામાં આવી હતી.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ મેલેરિયાલક્ષી આ ત્રીજો સર્વે કરવામાં આવ્યો હતો. જિલ્લામાં આશા બહેનોથી લઇને મેલેરિયા અધિકારી અને આરોગ્ય અધિકારી સહિત કુલ ૧૩૦૦થી વધુ આરોગ્ય કર્મીઓ આ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીમાં જોતરાયા હતા અને લારવા તથા તાવના દર્દીઓ શોધવાની સાથે સાથે ગ્રામજનોમાં આરોગ્યલક્ષી જારૃતિ વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ અંગે મેલેરિયા વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કુલ ૨.૫૩ લાખ ઘરોમાં આરોગ્ય કર્મી દ્વારા તપાસ કરવામાં આવી છે.
આ તપાસ દરમિયાન જિલ્લાની કુલ ૧૨.૩૨ લાખથી પણ વધુ વસ્તીને આવરી લેવામાં આવી છે. ત્યારે હાઉસ ટુ હાઉસ સર્વેમાં પાણીના પાત્રોમાંથી મોટા પ્રમાણમાં મચ્છરોના પોરા પણ મળી આવ્યા છે. જિલ્લામાં આ સાત દિવસો દરમિયાન કુલ સાડા છ હજાર જેટલી જગ્યાએ મચ્છરોના પોરા મળી આવ્યા છે જેમનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે. તો સર્વે દરમિયાન ૨,૧૩૮ જેટલા ગ્રામજનોને તાવ આવતો હોવાનું પણ સર્વેમાં સામે આવ્યું છે આવી જ રીતે કોર્પોરેશન વિસ્તારમાં પણ ગત સપ્તાહ દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૩૬૦૭૦ ઘરોમાં મેલેરીયાલક્ષી તપાસ કરવામાં આવતાં ૩૮૯ તાવના કેસ મળી આવ્યા હતા જેમના લોહીના નમૂના લઈ પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે તો છ હજાર જેટલી જગ્યાએથી મચ્છરોના લારવા મળી આવ્યા હતા.