ગાંધીનગર મહાનગર પાલીકાની સામાન્ય સભા આજરોજ મળી હતી જેમાં કોંગ્રેસે સફાઈ અને ડોર ટુ ડોર કચરો ઉપાડવો જેવી સ્વચ્છતાની બાબતો પર શાસક પક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ભૂતકાળમાં કોંગ્રેસમાં રહી સ્વચ્છતા અને કચરો તથા લેન્ડફીલ સાઈટ અને તેમાં થતા પ્રદુષણ માટે હંમેશા રજુઆત કરનાર મેયરને ટોણો મારી યાદ કરાવ્યું હતું કે અઢી વર્ષથી બેઠા છો અને ચાર મહિનામા ઉતરી જવાના છો તેથી હવે કંઈક તો કરો !
વિરોધપક્ષના શૈલેન્દ્રસિંહ બિહોલાએ શહેરમાં તમામ જગ્યાએ ડોર ટુ ડોર કચરો ઉપાડતા નહીં હોવાથી જયાં જયાં ડોર ટુ ડોર કચરો ન ઉપાડતા હોય તે લોકોનો વેરો પાછો આપવો જોઈએ તેવી ઉગ્ર રજુઆત કરતાં જણાવ્યું હતું કે, વેરો ૧૦૦ ટકા લેવાતો હોવા છતાં આપણે આપણી સિસ્ટમથી તેમને ન્યાય ન આપી શકતા હોય તો તેમના પૈસા પરત કરવા જોઈએ લોકોનો તેમાં શો વાંક છે. એક તબકકે પેનલ્ટી અને ફરિયાદની વાતનો સ્વિકાર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે પેનલ્ટી અને સજા એ કોર્પોરેશનમાં પડી ગયેલી સામાન્ય પ્રણાલી છે પરંતુ તેનાથી લોકોને ન્યાય મળતો નથી. ત્યારપછી આજુબાજુના ગામોમાં વિકાસ કામોની ચર્ચા પણ કરવામાં આવી હતી. એક તબકકે ઉગ્ર થતી સભા અંગે કમિશનરની ગેરહાજરીમાં કલેકટર સભામાં ચાર્જ હોવાને કારણે હાજર રહ્યા હતા. તેમણે દરમ્યાનગીરી કરી હતી અને મામલો ઠારે પાડયો હતો.
એક તબકકે ઈન્દ્રોડાના કોર્પોરેટર લાલભાઈએ ગામડામાં વિકાસના કામોની રજુઆત કરતા પેવર બ્લોક હલકી કવોલીટીના થતા હોવાની ફરિયાદ કરી હતી. જેને મોટાભાગના કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા સમર્થન આપી પાટલી થપથપાવી હતી.