ભાવનગર એસટી ડેપો દ્વારા ચલાવવામાં આવી રહેલ મોટાભાગની બસો લાખો કિલોમીટર ચાલી ચુકી છે અને કાયદા મુજબ આવી બસોની અવધી પણ પૂર્ણ થઈ ચુકી છે. આમ છતાં તંત્ર આવી બસોને સ્ક્રેપમાં ઉતારવાના બદલે બેરોકટોક પર દોડાવી રહ્યું છે જેને લઈને સલામતીના ગંભીર પ્રશ્નો સર્જાવાની શક્યતાઓ બળવત્તર બની છે.
માત્ર ભાવનગર ડેપો જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આવેલ નાના-મોટા તમામ ડેપોમાં લાંબા સમયથી સારી અને પુરતા પ્રમાણમાં બસોની મોટા પ્રમાણમાં ઘટ છે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા દેશની ખ્યાતનામ કંપનીઓ દ્વારા નવી બસો ખરીદવામાં આવતી હતી પરંતુ આ બસો ખૂબ ખર્ચાળ થતી હોય એસ.ટી. તંત્ર દ્વારા વર્ષ ર૦૧૬થી નવી બસની ખરીદી બંધ કરી અમદાવાદના નરોડા ખાતે આવેલ મુખ્ય વર્કશોપ ખાતે બસ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
અત્રે બનેલી બસો રાજ્યભરના ડેપોને સપ્લાય કરવામાં આવી રહી છે. પરંતુ પુરતા પ્રમાણમાં બસો ન હોવાના કારણે અનેક ડેપો દ્વારા મહત્વના રૂટો પર કાપ મુકવા સાથોસાથ ઓવરએજ થયેલ બસોને પણ ચલાવવામાં આવી રહી છે. સરકાર આરટીઓના નિયમ મુજબ એસ.ટી. બસો રોડ પર ૭ લાખ કિલોમીટર ચાલે ત્યારબાદ તેની માન્યતા રદ્દ કરવામાં આવે છે અને તેનું રજીસ્ટ્રેશન પણ કેન્સલ કરવામાં આવે છે. જ્યારે ભાવનગર ડેપો દ્વારા ર૩થી વધુ બસો ૧૧ લાખ કરતા વધુ કિલોમીટર ચાલી ચુકેલી છે અને હાલ પણ રોડ પર દોડાવાઈ રહી છે. નિયમ અનુસાર આવી બસો ગમે તે સ્થિતિમાં હોય તેને ફરજીયાતપણે સ્ક્રેપમાં ઉતારી દેવી પડે પરંતુ ટેકનીકલ કારણોસર આ નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું.
આવી બસો સેવામાં લેવાના કારણે ગંભીર અકસ્માત અગર જાનહાનીની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. આવરદા પૂર્ણ થયેલ બસો લાંબા અંતરના રૂટ પર વિશેષ દોડાવાઈ રહી છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો સુરક્ષા અંગે ગંભીર સ્થિતિ સર્જાશે.
ભાવનગર ડેપોને પ૦ નવી બસોની તાતી જરૂર
ભાવનગર એસ.ટી. ડેપોમાં ર૩ થી રપ જેટલી બસો તત્કાલ રદ્દ કરી સ્ક્રેપમાં ઉતારવાની જરૂરીયાત રહેલી છે અને તેના સ્થાને નવી રપ બસો મુકવી પડે તેમ છે. આ અંગે ભાવનગર એસ.ટી. વિભાગીય સુત્રો સાથે સંકળાયેલ કર્મચારીના જણાવ્યા અનુસાર રર થી રપ જેટલી એવી પણ બસો છે. જેની આવરદાપૂર્ણ થઈ નથી પરંતુ ભારે ધસારાના કારણે આ બસો જર્જરીત હાલતમાં છે. આથી આવી બસો પણ રૂટ પર ચલાવવા માટે યોગ્ય નથી. આવી બસોને રીનોવેટ કરી ઓછા તથા નજીક લોકલ રૂટ પર ચલાવી શકાય તેમ છે. આ બસોની તુલનાએ પણ વધુ એકસ્ટ્રા રપ જેટલી બસોની જરૂરીયાત એટલે કે કુળ મળી પ૦ જેટલી નવી બસો ભાવનગર એસ.ટી. ડેપોને ફાળવવામાં આવે તો સેવા ઉચીત અને લોક ગ્રાહ્ય બનશે.
ભુલ તંત્રની ભોગ લેવાય કર્મચારીઓનો
આવરદા પૂર્ણ થયેલ બસો રૂટ પર ચલાવવામાં આવે ત્યારે આવી બસોમાં આગ અગર અન્ય આકસ્મિક ઘટનાઓ ઘટતી હોય છે. જ્યારે આવી ઘટના બને ત્યારે તંત્ર પોતાની ભુલ સ્વીકારવાના બદલે દોષ ડ્રાઈવરો પર થોપે છે અને શિક્ષાત્મક કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં ડ્રાઈવર કે મિકેનિક વિભાગ સાથે સંકળાયેલ કર્મચારીને સસ્પેન્ડ કરવા સહિતના પગલા લેવામાં આવે છે. કંડમ બસો દ્વારા તંત્ર કોઈ આવક નથી રળતું પરંતુ ખર્ચના ખાડામાં ઉતરી રહ્યું છે. ભંગાર હાલતની બસો મોટા પ્રમાણમાં ડીઝલ ખાય છે. જેથી એવરેઝ આવતી નથી. આ ઉપરાંત ઓઈલ, એસેસરીઝ સહિતનો પ્રતિમાસ ખર્ચ આંકવો પણ મુશ્કેલ બને છે છતાં તંત્ર આવી ગંભીર ભુલ સુધારી નથી રહ્યું.