મોનસુનમાં વિલંબ થતાં હવે ખેડૂત અને સરકાર ચિંતાતુર

2283

અમદાવાદ સહિત રાજ્યભરમાં મોનસુનની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે પરંતુ મોનસુનમાં વિલંબ થતાં ચિંતાનું મોજુ ફેલાઈ ગયું છે. હજુ પણ મોનસુનની એન્ટ્રીના વહેલીતકે સંકેત મળી રહ્યા નથી. આવી સ્થિતિમાં સરકારની સાથે સાથે કૃષિ સમુદાય અને કારોબારીઓ પણ ચિંતાતુર બન્યા છે. મુંબઈમાં મોનસુનની એન્ટ્રી થયા બાદ પ્રક્રિયા આગળ વધી નથી. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટા જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. મોનસુનને લઇને ચિંતા પ્રવર્તી રહી હોવા છતાં મોનસુનની વિધિવત એન્ટ્રી થઇ રહી નથી. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, હળવા વરસાદી ઝાપટા સાથે આંશિક વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યભરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ આજે પણ વીવીનગરમાં થયો હતો જ્યાં પારો ૪૦.૮ ડિગ્રી રહ્યો હતો.  હાલમાં મોનસુનની એન્ટ્રી પહેલા જે વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા તેમાં કેશોદ, જુનાગઢ, અમરેલી, રાજુલા, ગોંડલ પંથક, ભાવનગરનો સમાવેશ થાય છે. વરસાદના લીધે ઠંડકનો માહોલ પણ છવાયો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમ્યાન હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે મોનસૂન બેસવાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે ચોમાસુ ૧૫મી જૂન સુધી ગુજરાતમાં બેસી જાય છે પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. આજે અમદાવાદમાં તીવ્ર પવન ફુંકાયો હતો. ધુળની ડમરીઓ પણ ઉડી હતી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ ૧૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૬૨૬ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૬ દિવસના ગાળામાં ૨૨૦ અને ટાઇફોઇડના ૨૪૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૬ દિવસના ગાળામાં ૨૪૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન ૨૦૧૭ દરમિયાન લીધેલા ૭૦૬૫૭ લોહીના નમૂના સામે ૧૬ જૂન ૨૦૧૮ સુધીમાં ૩૮૨૮૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે.

Previous articleભાજપના મંત્રી વસાવા ઉપર પૂર્વ સનદી અધિકારીએ લગાવ્યો ભ્રષ્ટ્રાચારનો આરોપ
Next articleદિવ્યાંગોને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ અપાશે