રક્તદાન માટે લોકોમાં વધુ જાગૃતિ આવે એવા ઉદ્દેશ્ય સાથે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા આજે ‘નેશનલ વોલીયન્ટરી બ્લડ ડૉનેશન ડે’ નિમિત્તે એ.એમ.એ ખાતે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉદારતા ઘણી છે, ત્યારે દાન આપવાની બાબતને કર્મ સ્વરૂપે ગણી દાન કરનાર તમામને પૂણ્યશાળી ગણાવ્યા હતા. રક્તદાનને મહત્વ આપતા રાજ્યપાલે જણાવ્યું હતુ કે, કોઈએ કરેલુ રક્તદાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બીજા કોઈ વ્યક્તિનો જીવ બચાવવા મહત્વનું સાબિત થાય છે ત્યારે પોતાની સામાજિક જવાબદારી સમજી લોકોએ રક્તદાન કરવું જોઈએ.
આયોજકોને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું હતુ કે આ પ્રકારના કાર્ય સમાજ માટે આદર્શ બની રહેશે. રક્તદાનને દાનના વિવિધ પ્રકારોમાંના દાનમાનું એક ગણાવતા રક્તદાનને માનવ સમાજની મહામૂલી સેવા ગણાવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે શહેરના ૧૦૧ રક્તદાતાઓને ૧૦૦ થી વધુ વખત રક્તદાન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરમાં આટલી મોટી સંખ્યામાં શતકવીર રક્તદાતા નોંધાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. એકત્ર થયેલ રક્ત પૈકી આશરે ૩૦ ટકા જેટલું રક્ત થેલેસેમીયાના રોગથી પિડાતા દર્દીઓ અને ગરીબ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવશે. ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં ફક્ત ૦.૮ ટકા વસ્તી રક્તદાન કરે છે. જ્યારે અમદાવાદ શહેરમાં તેનું પ્રમાણ અંદાજે ૩.૯ ટકા છે. સ્વૈચ્છિક રક્તદાન માટે અમદાવાદ શહેર ભારતમાં અગ્રેસર છે.