વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી નિતી આયોગની ચોથી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકે કૃષિ ક્ષેત્રે મનરેગા (મહાત્માગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ)ના વિનિયોગની ભલામણો માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ૭ રાજ્યોના મુખ્યમંત્રીઓની એક સમિતિની રચના કરી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં સર્વ વિજયભાઈ રૂપાણી (ગુજરાત), મમતા બેનરજી (પશ્ચિમ બંગાળ), યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), નિતીશ કુમાર (બિહાર) અને એન. ચંદ્રાબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ) તથા પવન ચામલિંગ (સિક્કીમ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ કૃષિ ક્ષેત્રે વાવણી પહેલા અને લણણી પછીના ગાળામાં મનરેગાના માધ્યમથી કૃષિ સંલગ્ન ગતિવિધિઓ થકી ખેડૂતોની આવક વૃદ્ધિની શક્યતાઓ તપાસીને તેના અમલ અંગે ભલામણ કરશે.
વડાપ્રધાનએ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતે મનરેગાનો ઇનોવેટિવ વિનિયોગ કરીને અહીં એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતમાં તાજેતરમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં મનરેગાનો ખુબ જ ઈનોવેટિવ વિનિયોગ કરીને તળાવો ઊંડા કરવાના કામો તેમજ નદીઓ પુનર્જીવિત કરવાના અને નહેરોની સફાઈના કામો હાથ ધરવામાં આવ્યા હતા.
આ અભિયાનને કારણે રાજ્યમાં ૩૨ નદીઓ પુનર્જીવિત થઇ છે, ૧૩૦૦૦થી વધુ તળાવો ઊંડા થયા છે અને ૫૦૦૦ કિ.મી.થી વધુ નહેરોની સફાઈ સાથે ૧૨ હજાર લાખ ઘનફૂટથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેવી ક્ષમતા વધી છે.
એટલું જ નહીં ગ્રામીણ રોજગારીના અવસર પણ આ અભિયાને મોટા પાયે પુરા પાડ્યા છે. ગુજરાતના આ મહત્વપૂર્ણ અભિયાનની રાષ્ટ્રીય સ્તરે સરાહના થઇ છે. આમ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રધાનમંત્રીનો ધ્યેય કૃષિ ક્ષેત્રે મનરેગાના ઈનોવેટિવ સંયોજન અને ઉપયોગથી પાર પાડવા ગુજરાત પ્રતિબદ્ધ છે.