ભાવનગર શહેર જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવારોના બાળકોને સરકારના આરટીઈ હેઠળના કાયદા ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા મુદ્દે શાળાઓ ભારે મનમાની કરી રહી હોવાની ફરિયાદો વ્યાપક બની રહી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવી રહ્યા હોવાની ફરિયાદ વાલીગણમાંથી ઉઠવા પામી છે.
થોડા વર્ષો પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા દેશનું કોઈપણ બાળક શિક્ષણથી વંચીત ન રહી જાય તે માટે આરટીઈનો કાયદો ઘડી આ કાયદા હેઠળ સમાજના પ્રત્યેક બાળકને એક સમાન રીતે શિક્ષા પ્રાપ્ત થાય તે હેતુ સર તમામ રાજ્યોમાં આ કાયદાની જોગવાઈ હેઠળ તેની ચૂસ્ત પણે અમલવારીની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ સરકારના આ નિયમનો ઉલ્લેખ માત્ર કાગળ પુરતો જ સિમિત રહી જવા પામ્યો છે.કારણ કે ગત વર્ષની માફક આ વર્ષે પણ નબળી પરિસ્થિતીના વાલીઓને પોતાના બાળકોના આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા જતા નાકે દમ આવી જાય છે. મોટાભાગે અભણ તથા પછાત એવા વાલીઓ માટે આરટીઈની જોગવાઈ ઓનલાઈન છે. આ ઉપરાંત અન્ય બાબતો પણ સરકારી કચેરી તથા ખાનગી શાળાઓના રહેમ પર નિર્ભર રહેવું પડે છે. મહા મુસીબતે બાળકોને પ્રવેશ મળે તો જે તે નિશાળોના નિયમો અભ્યાસક્રમો સહિતની બાબતો સમજવામાં વાલીઓને આકાશ પાતળ એક કરવા પડે છે પ્રથમ સત્ર પૂર્ણ થયે બીજા સત્રની શરૂઆત સાથે જ ખાનગી શાળા સંચાલકો ખેલ પાડે છે. અને યેન-કેન પ્રકારે વાલીઓ પાસેથી પૈસાના ઉઘરાણા શરૂ કરે છે. વર્તમાન સમયે શાળાઓ ખુલ્લી ચુકી છે છતા આરટીઈ હેઠળ એડમીશનના કોઈ ઠેકાણા નથી આ તમામ બાબતોને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.