સોનગઢ ખાતે અગાઉ યાંત્રિક કારણોસર અટકેલ બાહુબલી મુનીવરની પ્રતિમા બુધવારે વહેલી સવારે પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયાનો મંગળવારના દિવસથી પ્રારંભ થયો છે. જંબુદ્વિપ-બાહુબલી સંકુલમાં સાદગી સાથે આયોજન થયેલ છે.
ગોહિલવાડના ગૌરવવંતા તિર્થસ્થાન સુવર્ણપુરી સોનગઢ ખાતે અગાઉ અક્ષય તૃતિયા પર્વે બાહુબલી મુનીવરની વિશાળ પ્રતિમા આરોહણ કરવા માટે મુર્હુત કરાયું હતું પરંતુ યાંત્રિક કારણોસર પ્રતિમાને જેમાં ગોઠાવયેલ તે લોખંડના ચોકઠાના હુક તુટવાથી પ્રતિમા ઉચકી શકાય ન હતી. જેથી અનુયાયીઓ આઘાત માન્યા હતા. આમ છતાં જે થાય તે સારા માટે ભગવાનની ઈચ્છા માની સંતોષ માન્યો હતો.
આ દરમિયાન આ ચોકઠાને વધુ મજબુત બનાવવા ઈજનેરો દ્વારા કામગીરી કરવામાં આવી છે અને મંગળવારે તેની ઉચકવાની ચકાસણી સફળતાપૂર્વક કરી લેવાઈ છે. આમ પ્રતિમા પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયાનો આજે પ્રારંભ કરાયો હતો. મંગળવારના દિવસથી વિરાટ પ્રતિમા ઉચકવા સાથે સાવધાનીપૂર્વક પ્રસ્થાપિત કરવા તકેદારી રખાઈ રહી છે. બાહુબલી મુનીવરની ૪૦૦ ટન અખંડ પાષાણમાંથી કંડારાયેલ પ્રતિમા અહીં નિર્માણ કરાયેલ પ૧ ફુટ ઉંચા પહાડ પર બુધવાર વહેલી સવારે પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં કેટલાક મુમુક્ષુ ભાઈઓ-બહેનો જોડાયા છે.
જંબુદ્વિપ-બાહુબલી સંકુલમાં મૂર્તિ સ્થાપનની ચકાસણી (આ લખાય છે ત્યારે) થઈ ચુકી છે, જે સાદગી સાથે (આ પ્રકાશિત થશે ત્યારે) આયોજન થયું છે. ભારે આસ્થા અને ભાવ સાથે મુમુક્ષુ ભાઈઓ-બહેનો મર્યાદીત સંખ્યામાં જ રહ્યાં છે. જો કે આગામી શ્રાવણ માસ દરમિયાન પ્રતિમા-મૂર્તિ પૂજનની મુખ્ય વિધિ યોજાશે તેમ જણાવાયું છે.