કલોલમાં એક ટ્રક ચાલકે બંધ થતા ફાટકને ધડાકાભેર ટક્કર મારતા લોખંડની આડશ તુટી ગઇ હતી. આ બનાવે ભારે ચકચાર મચાવી હતી.
કલોલ શહેરમાં ભારત વિજય મિલ પાસે આવેલા ફાટક પરથી મંગળવારે સવારે ૧૧ઃ૪૦ કલાકે ટ્રેન પસાર થવાની હોવાથી ગેટમેન ફાટક બંધ કરી રહ્યો હતો. ત્યારે ફાટકને બંધ થતો જોઇને ટ્રક નંબર જીજે૧૩ એટી ૬૧૫૨ના ચાલકે ફાટક બંધ થાય તે પહેલા ટ્રક કાઢી લેવાની ગણતરીએ પુરપાટ ટ્રક દોડાવી હતી.
ફાટક નીચે આવી જતા ટ્રક ફાટક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ફાટકનો લોખંડનો પુલ તુટી ગયો હતો. જોકે આસપાસમાં અન્ય વાહન ના હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અંગે જાણ થતા દોડી આવેલી રેલ્વે પોલીસે ટ્રકના ચાલક રમેશચંદ્ર ધરમચંદ્ર ઠાકોરના સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.