ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની હોદ્દાની ચૂંટણી માટે આજરોજ જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. આ સભામાં ચૂંટણી યોજાતા સત્તાધારી કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહેતા અને કોંગ્રેસના બે સભ્યોએ ભાજપની તરફેણમાં મતદાન કરતા ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર વક્તુબેન મકવાણા અને ઉપપ્રમુખ પદે બી.કે. ગોહિલ ચૂંટાઈ આવ્યા હતા.
ભાવનગર જિલ્લા પંચાયતની કુલ ૪૦ બેઠકો પૈકીની રર બેઠક ઉપર કોંગ્રેસ વિજય મેળવીને સત્તા હાસીલ કરી હતી અને પ્રથમ અઢી વર્ષના શાસન માટે કોંગ્રેસે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે સંજયસિંહ સરવૈયાની નિયુક્તિ કરી હતી. તેમની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજરોજ ભાવનગર જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખ પદના ઉમેદવાર તરીકે હર્ષાબા ગોહિલ અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે વિજુબેન કંટારીયાના નામ જાહેર કર્યા હતા. જ્યારે સામાપક્ષે ભાજપ પક્ષ દ્વારા પ્રમુખ પદના ઉમેદવાર તરીકે વક્તુબેન મકવાણા અને ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે બી.કે. ગોહિલનું નામ જાહેર કરાયું હતું. ચૂંટાયેલા કુલ ૪૦ સભ્યો પૈકીના ૩૯ સભ્યો આ સભામાં હાજર રહ્યાં હતા. જ્યારે કોંગ્રેસના એક મહિલા ઉમેદવાર હિરાબેન રાઘવજીભાઈ અવૈયા ગેરહાજર રહ્યાં હતા. જ્યારે મતદાન થતા કોંગ્રેસના બે ઉમેદવારો જગાભાઈ ઉકાભાઈ બારૈયા અને ભાનુબેન પરશોત્તમભાઈ ચૌહાણે બળવો કરી ભાજપના પ્રમુખ ઉમેદવાર વકતુબેનની તરફેણમાં હાથ ઉચો કરી મતદાન કરતા ભાજપના ઉમેદવાર વકતુબેનને ર૦ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર હર્ષાબા ગોહિલને ૧૯ મત મળતા કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો. જ્યારે ભાજપનો ઉમેદવાર એક મતે વિજેતા જાહેર થતા ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી. તે જ રીતે ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજુબેન કંટારીયાને ૧૯ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર બળવંતસિંહ ગોહિલ (બી.કે. ગોહિલ)ને ર૦ મત મળતા ભાજપના ઉમેદવારનો જવલંત વિજય થયો હતો. કોંગ્રેસ છાવણીમાં એક મત માટે કોંગ્રેસના ઉમેદવારો હારી જતા કોંગ્રેસ છાવણીમાં સોંપી પડી ગયો હતો. આજરોજ ચૂંટણી હોવાથી કોંગ્રેસના તમામ ઉમેદવારોને એક સ્પેશ્યલ બસમાં બેસાડીને જિલ્લા પંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા. ચૂંટણી વેળાએ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા પી.એલ. માલ સહિતનો મસમોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી વરૂનકુમાર બરનવાલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ કોંગ્રેસ અને ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, આજની સભામાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
બન્ને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
કોંગ્રેસના વર્તમાન જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહે રોષપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપે ખરીદ-વેચાણ સંઘની જેમ કોંગ્રેસના સભ્યોને ખરીદી લીધા છે. લાખો રૂપિયાના સોદા થયા છે. સત્તા લાલચુ ભાજપ પક્ષે સભ્યોને ફોડી નાખ્યા છે અને હવે સત્તા ઉપર આવી જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર કરશે તેવા આક્ષેપ કર્યા હતા. જ્યારે જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાના સભ્યોને સાચવી શકી નથી અને ભાજપ તરફી મતદાન કરી કોંગ્રેસના બે સભ્યોએ વિકાસના કાર્યોમાં હાથ બઢાવ્યા છે.
હું તો ગરીબની દિકરી છું : પ્રમુખ
નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણાએ જણાવ્યું હતું કે પક્ષના તમામ સભ્યોને સાથે રાખી ભાવનગરના વિકાસના કામ કરીશું. હું તો ગરીબની દિકરી છું ગરીબોના કામ કરીશ તેમ તેમણે જણાવ્યું હતું.