રાજ્યમાં એક જ જગ્યાએથી સૌર અને પવન ઊર્જા એક સાથે ઉત્પાદિત કરવા અને આવા વીજ ઉત્પાદન માટે પ્રોત્સાહક સહાય આપવા રાજ્ય સરકારે ખાસ વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ને અમલમાં મૂકી છે. આ નીતિ અંગે વધુ માહિતી આપતા ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વિન્ડ-સોલાર હાઈબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. જે અંતર્ગત હયાત સોલાર પાવર પ્રોજેકટમાં ડેવલપર તે જ જમીનમાં અને એક જ ટ્રાન્સમીશન લાઈનનો ઉપયોગ કરીને પવન ઊર્જા પ્રોજેકટ સ્થાપી શકશે અને તે જ રીતે હયાત પવન ઊર્જા પ્રોજેકટમાં સૌર ઊર્જા યુનિટ સ્થાયી શકાશે. એટલું જ નહીં, આ નીતિ અંતર્ગત બિલકુલ નવા સોલાર-વિન્ડ હાઈબ્રીડ પ્રોજેકટ પણ સ્થાપી શકાશે. આવા હાઈબ્રીડ પાવર પ્રોજેકટમાં પવન ઊર્જા અને સૌર ઊર્જા અલગ મીટરથી માપવામાં આવશે.નીતિની મહત્વની જોગવાઈ સંદર્ભે જણાવ્યું હતું કે, આવા સૌર અને પવન ઊર્જાને સંયુક્ત રીતે ઉત્પાદિત કરતા હાઈબ્રીડ પ્રોજેકટમાં ઉત્પન્ન થતી ઊર્જાને વીજળી શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા પ્રોજેકટથી સ્વચ્છ ઊર્જા ઉત્પાદિત થશે. પર્યાવરણનું જતન થશે એટલું નહીં, જે તે જમીનનો સોલાર પ્રોજેકટ માટે સમક્ષિતિજ અને લંબ સ્વરૂપે પવન ઊર્જા માટે એમ બેવડો ઉપયોગ કરી શકાશે. આ પોલીસી અંતર્ગત ત્રીજા પક્ષકારને ઊર્જા વેચાણના પ્રસંગે ક્રોસ સબસીડી સરચાર્જ અને એડીશનલ સરચાર્જમાં ૫૦ ટકા કન્સેશન આપવાની પણ જોગવાઈ હોવાનું જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે આ પોલીસી અંતર્ગત હાઈબ્રીડ પ્રોજેકટ માટે કેપ્ટીવ પાવર પ્લાન્ટને ક્રોસ સબસીડી સરચાર્જ અને એડીશનલ સરચાર્જમાં સંપૂર્ણ મુક્તિ તેમજ વ્હીલીંગ ચાર્જીસ અને ડિસ્ટ્રીબ્યુશન લોસમાં ૫૦ ટકાની રાહત આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ પોલીસીમાં સૂચવ્યા અનુસાર કેપ્ટીવ અને ત્રીજા પક્ષકારને વીજળી વેચાણના કિસ્સામાં જે તે કન્ઝ્યુમર સેન્કશન લોડના ૫૦ ટકા સોલાર અને ૫૦ ટકા પવન ઊર્જા સ્થાપી શકાશે. આ ઉપરાંત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. સાથે વીજ ખરીદી કરાર કરાયા હોય તે ક્ષમતા પુરતું એગ્રીમેન્ટ ચાલુ રહેશે, જ્યારે નવી ઉત્પાદિત ઊર્જાને ડેવલપર પોતાની પસંદગી મુજબ વેચી શકશે. આ નીતિ હેઠળ જે કન્ઝ્યુમરને રીન્યુએબલ પાવર પર્ચેઝ ઓબ્લીગેશન માટે જેટલી ક્ષમતા જરૂરી હોય તેટલી ક્ષમતા માટે પવન ઊર્જા-સોલાર ઊર્જા સ્થાપિત કરી શકશે. આ સિવાય ગ્રુપ કેપ્ટીવ કંપનીઓ પણ હાઈબ્રીડ પ્રોજેકટ સ્થાપી શકશે. આ માટે તેમણે સો ટકા શેરમૂડી રોકવાની રહેશે અને તેમના રોકાણ પ્રમાણે તે રેશિયો મુજબ ઉત્પાદિત ઊર્જા વાપરવાની રહેશે.
આ વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ પાંચ વર્ષ માટે અમલમાં રહેશે, એટલું જ નહીં આ નીતિ અંતર્ગત મંજૂર થયેલાં પ્રોજેકટને આ નીતિના લાભ ૨૫ વર્ષ કે આયુષ્ય મર્યાદા પૈકી જે વહેલું હોય ત્યાં સુધી મળતાં રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય અંદાજે ૫૫૦૦ મે.વોટથી વધુ પવન ઊર્જા અને ૧૬૦૦ મે.વોટથી વધુ સૌર ઊર્જા એટલે કે, બંને મળીને ૭૧૦૦ મે.વોટથી વધુ બિન પરંપરાગત ઊર્જાનું ઉત્પાદન કરે છે, ત્યારે પ્રોજેકટની જમીનનો મહત્તમ ઉપયોગ, ગ્રીડ લાઈનનો મહત્તમ ઉપયોગ કરી ઊર્જાની ભાવિ જરૂરિયાતને પહોંચી વળવા ગુજરાતે પ્રદુષણ મુક્ત કલીન એનર્જી ક્ષેત્રે આ નીતિ દ્વારા નવતર પહેલ કરી છે.