અમદાવાદ, તા.૨૧
રાજ્યમાં એક્સ સર્વિસમેનને આપવામાં આવતી હેલ્થ પરમીટ પહેલાની કાર્ય પદ્ધતિને અનુસરીને આપવામાં આવશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં હેલ્થ પરમીટ ધારકોને દારૂની પરમીટ આપવાની નિયમ-પ્રક્રિયા સુધારણા હેઠળ છે. પરંતુ એક્સ સર્વિસમેનોને અપાતી હેલ્થ પરમીટ માટે અગાઉની કાર્યપદ્ધતિને અનુસરીને જ પરમીટ આપવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, ગુજરાતમાં પરમીટ ધારકોમાં નિયમ-પ્રક્રિયામાં સુધારણા કરી ખરેખર હેલ્થ પરમીટ મેળવવા પાત્ર સિવાયના લોકોને હેલ્થ પરમીટ ન આપવામાં આવે તે હેતુસર આ પ્રક્રિયા સુધારણા હેઠળ છે. નવી પદ્ધતિ અમલમાં ન આવે ત્યાં સુધી નવી હેલ્થ પરમીટ આપવાની કે રિન્યૂ કરવાની કામગીરીને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. પરંતુ લશ્કરીદળોના નિવૃત સભ્યો (એક્સ સર્વિસમેન)ને આપવામાં આવતી હેલ્થ પરમીટ અંગે હાલની કાયદાકીય પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે.