વાહન મોડીફાઇડ, નિયમ સામે એસેસરીઝ બદલાશે તો દંડ

1698

ગઇકાલે સુરતમાં બુલેટના ઓરીજનલ સાઇલેન્સર બદલી વધુ અવાજવાળા સાઇલેન્સર નાંખી નિયમોની ઐસીતૈસી કરનારા બે બુલેટચાલકના બુલેટ સુરત આરટીઓ દ્વારા જપ્ત કરી કરાયેલી કાર્યવાહી બાદ હવે રાજયની અમદાવાદ સહિત અન્ય આરટીઓમાં પણ આવી શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. નવાં મોંઘાંદાટ વાહનોની ખરીદી કર્યા પછી પણ પોતાના સર્કલમાં વટ પાડવા માટે વાહનનું મેકઓવર કરીને મોટો અવાજ ધરાવતાં એર હોર્ન લગાનારાઓને હવે આરટીઓનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં નિયમ વિરુદ્ધ કોઇ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી હશે અને વાહનનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હશે તો તે પહેલાં દૂર કરવું પડશે. ત્યારબાદ જ રજિસ્ટ્રેશન થશે અને વાહનની ખરીદી કર્યા બાદ રજિસ્ટ્રેશન થઇ ગયા પછી કોઇ છેડછાડ કરાઇ હશે તો પણ આરટીઓ જે તે વાહનચાલક કે માલિક સામે કાર્યવાહી કરશે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અવાજનું પ્રદૂષણ ફેલાવનારા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે. આગામી સપ્તાહથી આ પ્રકારની કાર્યવાહી આરટીઓ તંત્ર દ્વારા શરૂ થવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વાહનનાં અધિકૃત મોડલ સાથે છેડછાડ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફેરફાર કરાયેલાં વાહનમાં જો બુલેટ કે કોઇ પણ મોટર સાઇકલમાં બિનઅધિકૃત રીતે સાઇલેન્સર બદલીને અવાજ ફેલાવવાના અનેક કિસ્સા બાબતે ફરિયાદો મળ્યા બાદ તંત્ર કડક થયું છે. તેથી હવે પછી કોઇ પણ ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં સાઇલેન્સર બદલી શકાશે નહીં. જો સાઇલેન્સર બગડ્‌યું હોય અને બદલવું પડે તો તેનો પુરાવો સાથે રાખવો પડશે અને તે પણ ઓરિજિનલ જે પ્રકારનું હશે તેવું જ રિપ્લેસ કરવું પડશે. ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં જે પ્રકારનાં ટાયર કંપનીએ આપ્યાં હશે તેમાં ફેરફાર કરીને જુદી સાઇઝનાં ટાયર બદલાવી શકાશે નહીં. કોઇ પણ વાહનનું હોર્ન સોફટ અવાજવાળું જ રાખવું પડશે. ટુ વ્હીલરમાં ફોર વ્હીલરનું હોર્ન, વધુ પડતો અવાજ કરતું હોર્ન, એમ્બ્યુલન્સ હોર્ન, બાર્કિંગ હોર્ન, રસ્તે ચાલતા રાહદારી ડરી જાય તેવાં હોર્ન લગાવી શકાશે નહીં.

તમામ વાહનને ઓટોમોટિવ રિસર્ચ એસોસીએેશન દ્વારા એપ્રૂવલ આપવામાં આવે છે. વાહનના મોડલની માન્યતા મળી ગયા બાદ તેમાં કોઇ પણ ફેરફાર ગેરકાયદે ગણાય. શહેરમાં મોંઘીદાટ બાઇક ખરીદીને સાઇલેન્સર બદલી અલગ અલગ પ્રકારના અવાજવાળાં સાઇલેન્સર લગાવવાનો યુવાનોમાં ક્રેઝ હોય છે. આ સાઇલેન્સરની કિંમત રૂ.૩પ૦૦થી રૂ.૧પ હજાર સુધીની છે. બાઇકનાં હોર્ન બદલવાના પણ અનેક વિકલ્પ છે. રૂ. રપ૦૦થી ૧૦,૦૦૦ સુધીનાં હોર્ન લગાવવા લોકો તગડી કિંમત ચૂકવે છે. હવે કારમાં પણ સાઇલેન્સર બદલવાના ક્રેઝ ચાલી રહ્યો છે, જેના માટે આરટીઓ હવે હરકતમાં આવતાં ટ્રાફિક પોલીસ અને તંત્ર આવા વાહન માલિકો સામે આગામી સપ્તાહથી દંડનીય કામગીરી કરવાનું શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વગર ફરતાં વાહનો પર પણ તવાઇ આવશે આવાં વાહનો અકસ્માત કરશે તો તેનો ભોગ બનનાર વ્યક્તિની ઇજા કે મૃત્યુ પછીનું વળતર અકસ્માત થયેલા વાહનની હરાજી કરીને તેમાંથી મળેલી રકમ બારોબાર આપી દેવામાં આવશે. સરકારે ગઇકાલે આ નિર્ણય લઇ લીધો છે ટૂંક સમયમાં આ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વગરનાં વાહનો જ્યારે અકસ્માત કરે ત્યારે ભોગ બનનાર વ્યક્તિને સહાય આપવામાં હટી જતા હતા તેથી હવે આવાં વાહનોની હરાજી કરી તેની રકમ બરોબર આપી દેવાનો નિર્ણય કરવાનો પરિપત્ર પણ ટૂંકમાં જાહેર કરાશે, તેથી આવા વાહનોના માલિકો પણ હવે દંડાશે.

 

Previous articleવિદ્યાર્થીઓને બોર્ડના પરિણામ પર વિશ્વાસ નથી : રીચેકીંગ માટે ૧૧ હજાર અરજી મળી
Next articleઉદ્‌ગમ સ્કૂલ ખાતે પ્રવેશોત્સવમાં ગયેલા હાર્દિક અને અલ્પેશની ધરપકડ