વિદ્યાર્થીઓને બોર્ડના પરિણામ પર વિશ્વાસ નથી : રીચેકીંગ માટે ૧૧ હજાર અરજી મળી

1335

ગાંધીનગર ખાતે ગુજરાત શિક્ષણ બોર્ડની કચેરીએ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના અવલોકનની શરૂ કરાયેલી કામગીરીમાં ૧૧ હજાર જેટલા વિદ્યાર્થીઓની વિક્રમજનક અરજીઓના કારણે ભારે મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાઈ છે. આ વિદ્યાર્થીઓને જાણે બોર્ડના પરિણામ પર વિશ્વાસ ના હોય તે રીતે મોટી સંખ્યામાં અરજી કરાઇ હતી અને જેની અસર ડિગ્રી ઈજનેરીના પ્રવેશ પર પણ પડશે. ગાંધીનગર ખાતે નવા સચિવાલય સામે આવેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ અને વાલીઓનો મેળાવડો જામ્યો છે. જેમાં ધોરણ ૧૨ સાયન્સના પરિણામ સામે જાણે અવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હોય તેમ ૧૦,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરી છે. આ સંખ્યા અંગે બોર્ડના સુત્રોનું કહેવું છે કે, સેમેસ્ટર સીસ્ટમ બંધ થયા બાદ આ વર્ષે વાર્ષિક પરીક્ષા લેવાતા ઉત્તરવહી અવલોકન માટે અરજી કરનાર વિદ્યાર્થીની સંખ્યા ઘણી વધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સમાં પરિણામ બાદ જો પરિણામથી સંતોષ ન હોય તો રીચેકિંગની તક અપાય છે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં જ રૂબરૂ ઉત્તરવહી અવલોકનની તક અપાય છે. જેમા વિદ્યાર્થી-વાલીને ગાંધીનગરમાં બોર્ડની ઓફિસે રૂબરૂ બોલાવી ઉત્તરવહી બતાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરતા હતા, પરંતુ આ વર્ષે પ્રથમવાર ધોરણ ૧૨ સાયન્સના ૧૦,૮૦૦ જેટલા વિદ્યાર્થીએ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરતા બોર્ડનું સમગ્ર તંત્ર મુંઝવણમાં મુકાયું છે. જેમાં વધુમાં વધુ ત્રણ વિષય સુધી વિદ્યાર્થી માટે ઉત્તરવહી કાઢતા અંદાજે ૨૫થી  ૩૦ હજાર જેટલી ઉત્તરવહી બંડલોમાંથી કાઢવી પડી છે. તેનું સ્ક્રુટીની કરીને શરૂ કરાયેલા અવલોકનમાં સરેરાશ ૧-૨ ટકા વિદ્યાર્થીઓના માર્કસમાં સુધારો થવાની શક્યતા રહેલી છે. જેમાં આ વર્ષે ઉત્તરવહી અવલોકનના કાર્યક્રમમાં પણ આ વધારે અરજીઓ આવવાના કારણે વિલંબ થયો હોવાનું બોર્ડના સુત્રોનું કહેવુ છે.  આ વર્ષે ઉત્તરવહી અવલોકન માટે મોટી સંખ્યામાં અરજી આવતા તેની અસર ડિગ્રી ઈજનેરીના પ્રવેશ પર પણ પડશે. કારણ કે, જો ઉત્તરવહી અવલોકનમાં પરિણામમાં ફેરફાર થાય તો ડિગ્રી ઈજનેરીમાં પણ મેરિટ સુધારવુ પડશે. જેના કારણે પ્રવેશ પ્રક્રિયાના કાર્યક્રમમાં પણ મુદ્દત વધારી ફેરફાર કરવો પડે તેમ છે. કારણકે ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયામાં ફાઈનલ મેરિટ જાહેર થવા સાથે આજથી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૂ થનાર છે. આથી ઉત્તરવહી અવલોકનનું પરિણામ આવશે ત્યાં સુધીમાં તો ચોઈસ ફિલિંગ પુરુ થઈ જશે અને કદાચ એલોટમેન્ટ પણ થઈ જશે. પરંતુ વિદ્યાર્થીઓને સુધરેલા કે વધેલા-ઘટેલા માર્કસ પ્રમાણે ફાઈનલ ચોઈસ ફિલિંગની તક આપવી પડશે.

Previous articleદામનગર શહેરી વિસ્તારોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
Next articleવાહન મોડીફાઇડ, નિયમ સામે એસેસરીઝ બદલાશે તો દંડ