કરબલાના શહિદ ઈમામ હુસૈન સહિત તેના સાથીદારોની શહાદતની યાદમાં ભાવનગર શહેરમાં મહોરમ પર્વની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભાવનગર શહેરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં ૩પ જેટલા કલાત્મક તાજીયા બનાવી ઝુલુસ રૂપે ફેરવવામાં આવે છે અને રાત્રિના ઘોઘા ખાતે ટાઢા કરવામાં આવે છે. તેના ભાગરૂપે ગત રાત્રિના શહેરના આંબાચોક, ખોજાવાડ, સાંઢીયાવાડ, માણેકવાડી, શેલારશા ચોક, આરબવાડ, રેલ્વે સ્ટેશન રોડ, અલકા રોડ, માઢીયા ફળી, ઈમામવાડા, વરતેજીયા ફળી, માળીનો ટેકરો, બાપેસરા, સીદીવાડ, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજીયાઓ ગતરાત્રિના પડમાં આવ્યા બાદ ઝુલુસ ફેરવાયા હતા. આજે સાંજના સમયે આંબાચોક ખાતે માતમી ઝુલુસ મનાવાયું હતું તેમજ વિવિધ કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા હતા. જેને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા અને આંબાચોકથી અલકા ચોક સુધીમાં તો માનવ મહેરામણ ઉમટી પડેલ. કલાત્મક તાજીયાઓ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. રાત્રિના સમયે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ તાજીયાઓને ઘોઘા ખાતે ટાઢા કરવામાં આવ્યા હતા. આમ સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી.