અમદાવાદ સહિત રાજયભરમાં મુસ્લિમ સમુદાય દ્વારા આજે કલાત્મક અને રંગબેરંગી તાજિયાના ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યા હતા. તાજિયાના જુલુસમાં ૯૩ તાજિયા, ૨૪ અખાડા,૨૪ ટ્રકો, ૭૮ ઢોલ-ત્રાંસા સહિતના આકર્ષણો લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને કેટલાક તાજિયામાં તો સોના-ચાંદીના તારનો ઉપયોગ થતાં તેને જોવા મુસ્લિમ બિરાદરોએ પડાપડી કરી હતી. મુસ્લિમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં તાજિયાના જુલુસમાં જોડાયા હતા. શહેરમાં તાજિયાના જુલુસને લઇ શહેર પોલીસતંત્ર દ્વારા આજે રૂટના માર્ગો પર લોખંડી બંદોબસ્ત તૈનાત કરાયો હતો. તો બીજીબાજુ, તાજિયાને લઇ શહેરના ૨૦ જેટલા માર્ગો બપોરે ૨-૦૦થી રાત્રે ૧૨-૦૦ સુધી બંધ રાખવામાં આવ્યા હતા. મોડી રાત્રે તમામ તાજિયાને નદીના પટમાં લઇ જઇ ઠંડા પાડવામાં આવ્યા હતા. ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહમંદ (સ.અ.)ના દોહિત્ર(નવાસા) હજરત ઇમામહુસૈન તથા તેમના ૭૨ સાથીઓએ માનવતાના મૂલ્યો કાજે તેમ જ શાશ્વત મૂલ્યોને બચાવવા વહોરેલી શહાદતના માનમાં યવમે આસુરા તથા તાજિયાના જુલુસ નીકાળવામાં આવે છે. ચાંદ કમીટીના નિર્ણય મુજબ, શનિવારે રાત્રે કતલની રાત અને રવિવારે યવમે આસુરા અને તાજિયાના જુલુસ નીકાળવાની જાહેરાત કરાઇ હતી તે મુજબ, આજે શહેરના વિવિધ માર્ગો પર તાજિયાના જુલુસમાં ૯૩ તાજિયા, ૨૪ અખાડા,૨૪ ટ્રકો, ૭૮ ઢોલ-ત્રાંસા, સાત ઉંટ ગાડી, ૧૪ નિશાન પાર્ટીઓ અને ૧૦ માતમી દસ્તાઓ સહિતના આકર્ષણો નોંધનીય બની રહ્યા હતા.
તાજિયા શહેરના કોટ વિસ્તારમાં ભદ્ર પ્લાઝાવાળા માર્ગથી થઇને ભદ્રકાળી મંદિર થઇને ટેલિગ્રાફ ઓફિસ પાસેથી જૂની એડવાન્સ સિનેમા થઇ વીજળીઘર પાસે શહેરના અન્ય જુલુસોને મળ્યા હતા અને ત્યાં સરઘસના રૂપમાં ફેરવાયા હતા. ત્યાંથી દિનબાઇ ટાવર થઇને ખાનપુર દરવાજા પાસે નદીકિનારે તાજિયાના જુલુસ પહોચ્યા હતા. એકતા સમિતિ દ્વારા સીદી સૈય્યદની મસ્જિદ પાસે તાજિયાના જુલુસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજિયાના જુલુસમાં મુસ્લિમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. મુસ્લિમ બિરાદરો માટે તાજિયાના રૂટમાં પાણી, ઠંડા શરબત, જલેબી-ઠંડા દૂધ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગઇકાલે કતલની રાતે મુસ્લિમ બિરાદરોએ પોતાની બાધા-માનતા પૂરી કરી હતી. આજે તાજિયા ભવ્ય જુલુસ દરમ્યાન નિશાન પાર્ટી અને માતમી દસ્તાઓએ શહાદતની યાદમાં માતમ પણ મનાવ્યો હતો. મોડી રાત્રે નદીના પટમાં લઇ તાજિયાને ઠંડા પાડવામાં આવ્યા હતા. તાજિયાનું પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થતાં પોલીસ તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.