ઘોઘા તાલુકાના કણકોટ ગામ રહેતા યુવાનને કોઈ ઈસમોએ બોથડ પદાર્થ વડે ઢોર મારતાં યુવાનને ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે ખસેડાતા સારવાર મળે તે પહેલા યુવાનનું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સર.ટી. હોસ્પિટલ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા તાલુકાના કણકોટ ગામે રહેતા સબીરભાઈ અનવરભાઈ મોવર (ઉ.વ.૧૮)ને બપોરના સમયે ઘરે હતા ત્યારે તેમના મિત્રો કામના બહાને બોલાવી ગયા હતાં. બાદ સબીરભાઈ ઘરે પરત ફર્યા હતાં. થોડા સમય પછી સબીરભાઈને કોઈ શખ્સો શાપરા-કણકોટના ડુંગરાળ વિસ્તારમાં લઈ જઈ બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢોર માર માર્યો હતો. સબીરભાઈ ઈજાગ્રસ્ત હાલતે પોતાના ઘરે પહોંચતા પરિવારજનો તેને સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે લઈ જવા નિકળ્યાં હતાં ત્યારે રસ્તામાં જ યુવાનનું મોત નિપજવાં પામ્યું હતું. બનાવની જાણ થતા ઘોઘા પોલીસ સ્ટાફ અને ડીવાયએસપી સહિતનો કાફલો સર.ટી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અને મૃતકના પરિવાર જનોની પુછપરછ હાથ ધરી હતી. યુવાનને કોણે અને કયા કારણે ઢોર માર માર્યો સહિતની પોલીસે તપાસ હાથ ધરી હતી.