ગુજરાતના કરમસદ સ્થિત સરદાર પટેલના ઐતિહાસિક આવાસથી ગુજરાત ગૌરવ યાત્રાની ભાજપ પ્રમુખ અમિત શાહે શરૂઆત કરી હતી. આની સાથે જ અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનું રણશિંગુ ફુંકી દીધું હતું. યાત્રાને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, આ સરદાર પટેલની ધરતી છે. પટેલે દેશને એક કરવા અને ખેડૂતોના હિતો માટે અવાજ ઉઠાવ્યો હતો. અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપુર પ્રશંસા કરીહતી અને કહ્યું હતું કે, તેમના દ્વારા વિકસિત કરવામાં આવેલા ગુજરાત મોડલને દેશભરમાં અમલી કરવામાં આવી ચુક્યું છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
ભ્રષ્ટાચાર મુક્ત મોડલ ગુજરાત મોડલ છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો અમારી પાસેથી વિકાસ કામગીરીની વિગતો માંગી રહ્યા છે. તેઓ કહી દેવા માંગે છે કે, પહેલા સરદાર પટેલ અને
ગુજરાતની ત્રણ પેઢીઓ સાથે થયેલા અન્યાયનો હિસાબ કોંગ્રેસ આપે તેમ અમે ઇચ્છીએ છીએ. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની કર્મભૂમિ કરમસદથી ગુજરાત ગૌરવ યાત્રાનો ઉમંગ ઉત્સાહના વાતાવરણમાં શુભારંભ થયો હતો. અમિત શાહે કહ્યું હતુ ંકે, કોંગ્રેસે સરદાર પટેલને ભારત રત્ન ન આપ્યો. તેમનું સંસદમાં તેલ ચિત્ર ન મુક્યું અને અવસાન સમયે યોગ્ય માનસંમાન ન મળે તેવા કારસા રચ્યા હતા. કોંગ્રેસે સરદાર પટેલની સતત અવગણના કરી હતી. ગુજરાતની જનતા કોંગ્રેસ પાસે આનો જવાબ માંગે છે. કોંગ્રેસે ત્રણ પેઢીથી ગુજરાત અને ગુજરાતના નેતૃત્વને અન્યાય કર્યો છે. રાહુલ ગાંધીએ આનો જવાબ આપવો જોઇએ. કોંગ્રેસને વિકાસના આંકડા દેખાતા નથી. વિકાસની મજાક ઉડાવનાર કોંગ્રેસ તથા રાહુલ ગાંધીની મતગણતરીના દિવસે કોંગ્રેસને હાર આપી ગુજરાતની જનતા જવાબ આપશે. ભાજપ સરકારે ગુજરાતને ન્યાય, અધિકાર અને વિકાસ સાથે ગૌરવ આપ્યું છે. યુપીએ સરકારના સમયે ગુજરાતને વિકાસ માટે ૬૩૬૪૬ કરોડ રૂપિયા મળતા હતા હવે ગુજરાતને મોદીના નેતૃત્વમાં ૧૫૮૩૭૭ કરોડ મળી રહ્યા છે. કેન્દ્રમાં મોદી અને ગુજરાતમાં રૂપાણી અને નિતીન પટેલના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ ડબલ એન્જિનથી આગળ વધશે. ગુજરાતની ગૌરવ યાત્રા કોંગ્રેસની અંતિમ યાત્રા બની રહેશે. આજ દિવાળી, કાલ દિવાળી જેવી સ્થિતિ છે. આ પ્રસંગે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે દેશને એકસુત્રમાં બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ પર ગૌરવ યાત્રાને લઇને ગર્વની લાગણી અનુભવ કરી હતી. અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન યુવાનોને ગોળીએ દેનાર છાસવારે કર્ફ્યુ, રમખાણો અને અશાંતિમાં પ્રજાને મુકનાર કોંગ્રેસને ગુજરાતની જનતા ભૂલી નથી. ૨૦૦૧માં મોદી શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં સુખશાંતિ સ્થાપિત થઇ હતી. કરફ્યુ મુક્ત પ્રજા જીવન બક્ષવાનું કાર્ય ભાજપના શાસનમાં શક્ય બન્યું હતું. ગુજરાતમાં વાયબ્રન્ટ જેવા અનેક આયામો થકી ઉદ્યોગો લાવવાનું કામ નરેન્દ્રભાઈના શાસનમાં થયું હતું. વડાપ્રધાન બન્યા પછી મોદી શાસનમાં ૧૭ દિવસમાં જ ડેમના દરવાજા મુકી દેવાની મંજુરી આપીને રાજસ્થાન અને કચ્છના ખાવડા સુધી પાણી પહોંચાડવાનું કામ મોદીએ કર્યું હતું. વિજળી અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, તમામ ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ ચુકી છે. ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર વિહિન સુશાસન અપાયું હતું તે જ હવે દેશભરમાં પણ ચાલી રહ્યું છે. અમિત શાહે તમામ આંકડાકીય માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં માથાદીઠ આવક ખુબ ઓછી હતી. ત્રણ ગણા વધુ નાણા ગુજરાતને કેન્દ્રીય કરમાંથી મળી રહ્યા છે.