મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજની વિધવા- ત્યક્તા બહેનોનો આત્મ સન્માન સમારોહ રવિવારે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. જેમાં ૩૩૦૦ બહેનોને ભેટ આપી સન્માનિત કરાઇ હતી. આ પ્રસંગે દાતા પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ, ગ્રામશ્રી ટ્રસ્ટનાં ચેરપર્શન અનારબેન પટેલ, પાટીદારની ૧૦ હજાર દીકરીઓ માટે ૨૦૦ કરોડની સુકન્યા યોજનાના પ્રણેતા સુરતના લવજીભાઇ બાદશાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિધવા-ત્યક્તા બહેનોને સંતાનોને પગભર બનાવવા સ્વરોજગાર અપનાવવા તેમજ કુરિવાજોનો સામનો કરવા હાકલ કરી હતી.
આધાર ફાઉન્ડેશન અને ગ્રામશ્રી ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમ પ્રસંગે રૂ.૧૯ લાખનું દાન અર્પણ કરતાં પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલે જણાવ્યું કે, સમાજમાં બંધનોને તોડવા જરૂરી છે, કુરિવાજો દૂર કરી આગળ વધવા જણાવ્યું હતું. ગ્રામશ્રી ટ્રસ્ટનાં અનારબેન પટેલે કહ્યું કે, વિધવા બહેન કન્યાદાન ન કરી શકે તેવો કોઇ નિયમ નથી, તે કેમ દીકરાને લગ્નમાં ન પોંખી શકે. આવા પ્રસંગમાં બહેનો જ બહેનની દુશ્મન ન બનતાં સહકાર આપવાની શરૂઆત કરવા હાકલ કરી હતી. બહેનોએ પગભર થવા કમાવવું જોઇએે તેમ કહી સ્વનિર્ભર બનવા રાહ ચિંધ્યો હતો.
સમારોહમાં પાલિકા પ્રમુખ રઇબેન પટેલ, આધાર ફાઉન્ડેશનના પ્રમુખ અનિલ પટેલ, કન્વીનર બી.ડી. પટેલ, મંત્રી સંજય પટેલ, અશ્વિન બામરોલીયા, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના વિધવા કમિટીના ચેરમેન બાબુભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની ઊંઝા વિધવા સહાયક કમિટી દ્વારા અત્યાર સુધી જરૂરિયાત મંદ વિધવા બહેનોને કુલ રૂ.૧૧ કરોડની આર્થિક સહાય અપાઇ છે. ચાલુ વર્ષે ૬ મહિનામાં ૩૧૯૦ લાભાર્થીને ઘેરબેઠાં કુલ રૂ.૪૯ લાખ ચૂકવાયા હોવાનું કાર્યક્રમમાં જણાવાયું હતું.
Home Uncategorized કુરિવાજો તોડવા મહેસાણામાં ૩૩૦૦ પાટીદાર વિધવા-ત્યક્તા બહેનોનું જાહેર સન્માન કરાયું