તોગડિયાએ નવા સંગઠનની ઘોષણા કરી

1406

વિશ્વ હિન્દુ પરિષદનાં પૂર્વ કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા એવા ડો.પ્રવિણ તોગડિયાએ આજે પોતાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નામના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરી હતી. પોતાનું આ નવું સંગઠન હિન્દુઓ, ગૌ હત્યા અટકાવવા, ખેડૂતો સહિતના લોકકલ્યાણના પ્રશ્નોને લઇ સદાય કાર્યરત રહેશે અને લડત આપતું રહેશે તેવી જાહેરાત કરી હતી. વિહિપના પૂર્વ કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.તોગડિયાએ એક પત્રકાર પરિષદમાં પોતાના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરી હતી. એક રીતે ડો.તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદના નામ જેવું જ નામ પસંદ કરી એ જ પેટર્ન પર પોતાના નવા સંગઠનની રચના કરતાં ભાજપ સરકારમાં ખાસ કરીને મોદી સમર્થકોમાં ભારે ચર્ચા ચાલી હતી. કારણ કે, વિશ્વ હિન્દુ પરિષદનું શોર્ટ ફોર્મ વીએચપી થાય છે અને હવે ડો.તોગડિયાના નવા સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું ટૂંકું નામ આઇએચપી થાય છે. ટૂંકમાં ડો.તોગડિયાના વિશ્વ હિન્દુ પરિષદના નામમાંથી વિશ્વ શબ્દ કાઢી આંતરરાષ્ટ્રીય શબ્દ ઉમેર્યો છે. ડો.તોગડિયાએ આજે નવી દિલ્હીમાં હિંદુ અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત  કરવાની સાથે સાથે પોતાના નવા સંગઠનની અધિકૃત જાહેરાત પણ કરી દીધી હતી. અગાઉ તોગડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ હિન્દુઓના હિત અને રક્ષા માટે પોતાના નવા સંગઠનની જાહેરાત કરશે તે મુજબ, આજે ડો.તોગડિયાએ નવા સંગઠનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ડો.તોગડિયાએ મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે દેશનાં ૫૨ ટકા ખેડૂતો પર દેવું છે. ૧૭ વર્ષમાં ૩ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને માત્ર ૮ ટકા ખેડૂતોને જ પાક વીમાનો લાભ મળ્યો છે. “આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ” સંગઠનના નેજા હેઠળ તેઓ હવે હિન્દુઓ માટે, ગૌ હત્યા અટકાવી તેની પર પ્રતિબંધ માટે તેમજ ખેડૂતોનાં દેવા માફ કરવા સહિતના અનેક મુદ્દાઓ માટે સરકાર સામે લડત આપશે અને હિન્દુઓ, ખેડૂતો, મજૂરો સહિતના વર્ગને ન્યાય અપાવશે.  તેમણે નજીકના ભવિષ્યમાં પોતાની રણનીતિ જાહેર કરવાના પણ સંકેતો આપ્યા હતા.

Previous articleભાજપની બે દિવસીય ચિંતન શિબિરમાં લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન
Next articleસાંસદ ડો. શિયાળે નિર્દોષાનંદ હોસ્પ.ને ૨૫ લાખની ગ્રાંટ ફાળવી