જિલ્લા પંચાયતની બીજી ટર્મ માટે કોંગ્રેસે સત્તા જાળવવા પટેલોની બાદબાકી કરી બીજી વાર પણ સવા વર્ષ માટે ઓબીસી એવા મંગુબેન ચૌધરી ઉપર પ્રમુખનો તાજ ઢોળ્યો હતો જેમણે આજે જિલ્લા પંચાયતમાં યોજાયેલા એક સમારોહમાં પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો. આ પહેલાં વિધાનસભામાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરી સામે સેન્ટ્રલ વિસ્ટામાં આવેલી આંબેડકરની પ્રતિમાને પણ પુષ્પાંજલી કરી હતી અને ત્યારબાદ સમારોહમાં પ્રમુખ મંગુબેન ચૌધરી અને ઉપપ્રમુખ ભરતકુમાર પટેલે પોતાનો પદભાર સંભાળ્યો હતો. ચોકાવનારી વાત એ હતી કે આખા સમારોહમાં બધેથી આગેવાનો અને કોંગ્રેસીઓ આવ્યા હતા પરંતુ પૂર્વ પ્રમુખ રામાજી નહી આવતાં તેમની નારાજગી પણ ઉડીને આંખે વળગે તેવી દેખાઈ રહી હતી.
આ સમારોહમાં જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યો તેમજ પ્રદેશના કોંગી આગેવાનો પણ ઉપÂસ્થત રહ્યા હતા. પટેલોને બીજી ટર્મ માટે પ્રમુખપદ આપવાની બાહેધરીનો છેદ ઉડાડતા પટેલોને મળેલી લોલીપોપથી નારાજગી સ્પષ્ટ વર્તાતી હતી અને આ ઉપરાંત માહિતગાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કારોબારી ચેરમેનની ખાલી પડતી જગ્યા પર પણ પટેલોને લોલીપોપ આપવાનું અગાઉથી પ્રમુખ વખતે જ નકકી થઈ ગયું હોવાથી વધુ એકવાર પટેલોની બાદબાકી થવાની છે. કહેનારે ત્યાં સુધી માહિતી આપી હતી કે જિલ્લા કોંગ્રેસની પ્રમુખની સૂર્યસિંહ ડાભીની શીટ ખાલી થતાં હાલના કારોબારી ચેરમેન અરવિંદસિંહ સોલંકીને બેસાડવાનું પણ આંતરિક જુથબંધીમાં નકકી થઈ ગયું છે. જેના કારણે જિલ્લા પંચાયતમાં સત્તા ટકાવી રાખવાના સમાધાનમાં પટેલોની સદંતર બાદબાકી હજુ પણ થવાની છે.