ગુજરાતમાં લોકસરકાર રચવાની કોંગ્રેસની જાહેરાત

2252

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આજરોજ રાજ્યમાં લોકસરકાર રચવાની જાહેરાત કરી છે. ધાનાણીએ લોક સરકાર અંગે માહિતી આપતાં જણાવ્યું કે, લોક સરકાર એટલે લોકો વતી, લોકો માટે ચાલતી લોકશાહી સરકાર. લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકારના કાન સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા આપવા લોકો પ્રત્યે સરકારની જવાબદારી નક્કી કરવા, સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા, સરકારી યોજના સરળતાથી લોકો સુધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પહોંચાડવાનો છે.

આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર એવા લોકોની સદંતર અવગણના થઈ રહી છે. ’લોક સરકાર’નો ઉદ્દેશ લોકશાહી પરંપરાને વધુ મજબુત બનાવી સમાજને સશક્ત બનાવવાનો છે.ગુજરાતમાં ભાજપના ૨૩ વર્ષના શાસનમાં આજે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. સામાન્ય લોકો પાસે સરકારના અલગ-અલગ વિભાગાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. પોતાની સમસ્યાની કયા વિભાગને રજૂઆત કે ફરિયાદ કરવી તેની પૂરતી સમજ નથી. પરિણામે સામાન્ય માણસ સરકારી વિભાગો વચ્ચે આંટાફેરા કરવા મજબુર બની ગયો છે. લોકોએ ચૂંટેલી પોતાની કહેવાતી સરકારના બહેરા કાને પ્રજાની સમસ્યા અથડાતી નથી. સરકાર પ્રજાના પ્રશ્નો બાબતે અસંવેદનશીલ બની ગઈ છે.  પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાવાઈ રહ્યો છે. લોકો જેમ તેમ કરીને સરકારી તંત્રમાં પોતાની ફરિયાદ દાખલ કરવામાં સફળ થાય તો પણ આ ફરિયાદનું શું થયું અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં થશે તેની કોઈ જાણકારી નથી.આ પરિસ્થિતિમાં હાલના સરકારી માળખામાં લોક સમસ્યાને વાચા આપવા અને લોકોની રજૂઆતોને સરકાર સુધી વિરોધ પક્ષના નેતા ’લોક સરકાર’ (ઉ(WWW.LOKSARKAR.IN)ના માધ્યમથી પહોંચાડશે.

Previous articleવરસાદથી દ.ગુજરાતની નદીઓમાં નવા નીર આવ્યા
Next articleકાલથી અમરનાથ યાત્રા : ગુજરાતથી ૫૦ હજાર યાત્રાળુ અમરનાથ પહોંચશે