સેકટર ૬બીનાં મેડિકલ સ્ટોરમાં ચોરી

1065

ગાંધીનગર શહેરમાં વધી રહેલા તસ્કરોનાં તરખાટ વચ્ચે સેકટર ૬બીમાં આવેલા મેડીકલ સ્ટોરનું શટર તોડી રોકડ, દવા તથા કોસ્મેટીક આઇટમો ચોરાઇ જવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ પાસે આવેલા બંધ મકાનને પણ નિશાન બનાવ્યુ હતુ. પરંતુ કોઇ મોટી વસ્તુ ચોરાઇ નથી. ત્યારે પૈસાનાં મકાનની બહાર પડેલો ગેસનો બાટલો પણ ઉઠાવી ગયા હતા. સવારે સેકટર ૭ પોલીસને કંટ્રોલમાં આવેલા ફોનથી મેસેજ મળતા દોડી ગઇ હતી. મેડીકલ માલીકની ફરીયાદ લઇને આ દિશામાં તપાસ હાથ ધરી છે.

સેકટર ૬બીમાં ગાયત્રી હોસ્પીટલના પડખે ગાયત્રી મેડીકલ સ્ટોર ધરાવતા દેવાંગભાઇ પ્રફુલભાઇ પટેલ (રહે સેકટર ૬સી) દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે સોમવારે સાંજે ૯ વાગ્યાનાં અરસામાં મેડીકલ સ્ટોરનું શટરને તાળુ મારીને ઘરે ગયા હતા. મંગળવારે સવારે ૬ વાગ્યે પાસેની હોસ્પીટલનાં સ્ટાફે ફોન કરીને જાણ કરી હતી તે તમારી મેડીકલનું શટર અર્ધ ખુલ્લુ છે.

દેવાંગભાઇ મેડીકલ સ્ટોર પર દોડી ગયા હતા. જયાં શટરને વચ્ચે કોઇ ઓઝાર ભરાવીને શટર ઉંચુ કરતા બંને સાઇનાં સ્ટોપર તાળા સાથે ઉપર આવેલા તથા દરવાજો ખુલ્લો જોયો હતો. પાછળનાં દરવાજાથી અંદર જઇને તપાસ કતા રૂ.૧૫ હજારની રોકડ, મોંઘી કોસ્મેટીક્સ તથા દવાઓ મળીને કુલ રૂ.૨૦ હજારની મત્તા ચોરાઇ હોવાનું ધ્યાને આવ્યુ હતુ.

જેના પગલે ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરતા સેકટર ૭ની પોલીસને મેસેજ મળતા દોડી આવી હતી. સ્થળ પર પ્રાથમિક તપાસ બાદ દેવાંગભાઇએ સેકટર ૭ પોલીસ સ્ટેશન પહોચીને આ અંગે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એમ સી સોલંકીએ આ દિશામાં તપાસ હાથ ધરી છે.

સેકટર ૬બીમાં પ્લોટ નં ૪૯૫ સી-૨ ખાતે ચંદ્રવદનભાઇ ભગવતપ્રસાદ ત્રિવેદીનું મકાન આવેલુ છે. ચંદ્રવદનભાઇ ઓસ્ટ્રેલીયા રહેતા હોવાથી આ મકાન બંધ છે. તસ્કરોએ તેમનાં મકાનનાં દરવાજાનાં નકુચા-તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાવટ ન આવદતા ઉપરનાં માળે દરવાજાનો નકુચો તથા ઇન્ટરલોક તોડ્‌યુ હતુ. સામાન ફેદ્યો હતો. પરંતુ કોઇ કિંમતી વસ્તુ ન હોવાથી તસ્કરોને કશુ હાથ લાગ્યુ નહોતુ. જયારે પાસે રહેતા દિનેશભાઇ પટેલે ઘરની બહાર ગેસનો સીલીન્ડર મુક્યો હતો તે પણ તસ્કરો ચોરી ગયા હતા.

Previous articleઅરવલ્લીમાં ભારે વરસાદ : ભિલોડા-શામળાજી રોડ બંધ, ગામડાઓને એલર્ટ કરાયા
Next articleકલોલ : પાટીદાર સમાજ સેવીની હત્યાનો મામલો, નીતિન પટેલ અંતિમયાત્રામાં જોડાયા