કલોલમાં ત્રણ દિવસ પહેલા થયેલી પાટીદાર સમાજ સેવીની હત્યા બાદ ચાર દિવસે આજે ચૂસ્ત સુરક્ષા વચ્ચે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. પાટીદાર સમાજ સેવી અશોક પટેલના અંતિમ સંસ્કારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સામેલ થયા હતા.
ઉલ્લેખનિય છે કે, કલોલના છત્રાલમાં કોમી અદાવતમાં પાટીદાર સમાજસેવીની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી લઘુમતિ કોમના શખસોએ હત્યા કરી નાંખતા તંગદિલી વ્યાપી ગઈ હતી. પાટીદાર શખ્સની મોતને પગલે છત્રાલ અને કલોલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મૃતકના પરિવારે હત્યારા ના પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. અને સીવીલ હોસ્પીટલમાં ઘરણાં કરવામાં આવી રહયા છે.
ઘટનાનાં પગલે હિન્દુ સંગઠનો પણ ઘરણાંમાં જોડાયા છે અને હત્યારાને પકડવાની માંગણી કરવામાં આવી છે. હત્યા બાદ હિંદુ સંગઠનો દ્વારા સોમવારના રોજ કલોલમાં બંધનું એલાન અપાયુ હતું. મંગળવારે પણ બજારો સ્વયંભૂ બંધ રહયા હતા.
પાટીદાર સમાજસેવીની હત્યાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ અને સાથે-સાથે એસ.આર.પીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.