રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને કૃષ્ણકુમારસિંહજી અંધશાળા ભાવનગર દ્વારા તારીખ ર૬ને બુધવારના રોજ શાળાના પ્રાર્થના હોલમાં જીવન એક યાત્રા-વિશિષ્ટ વાર્તાલાપનું આયોજન કરી હેલન-કેલરની ૧૩૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં વક્તા તરીકે સંચાલક લાભુભાઈ સોનાણીએ સેવા આપી હતી. તેઓએ તેમના વક્તવ્યની શરૂઆતમાં મલ્ટીપલ વિકલાંગતા ધરાવતી હેલન કેલરના જીવનને યાદ કર્યુ હતું.
જીવન એક યાત્રા-વિશિષ્ટ વાર્તાલાપ અંતર્ગત લાભુભાઈએ પોતાના વક્તવ્યમાં આધ્યાત્મિક્ દ્રષ્ટિકોણથી આર્યોના સોળ સંસ્કારની માહિતી આપી પરંપરાગત સંસ્કૃતિને જીવંત બનાવવા ભાર આપ્યો હતો. ત્યારબાદ તેઓએ માનવીનું જીવન કેવું હોવું જોઈએ તેની માહિતી મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા જેવા વિશિષ્ટ અને મહાન માનવીઓના જીવનનું ઉદાહરણ પ્રસ્તુત કરી સમજાવ્યું હતું. આ ઉપરાંત રસ્કિનનો સર્વોદયનો સિધ્ધાંત તેઓએ વકીલ અને વાળંદના સમાન વ્યવસાય, ખરો શ્રમ ખેડૂતનો અને સર્વના ભલામાં મારૂ ભલુ જેવા ઉદાહરણો સાથે આ સિધ્ધાંત સમજાવ્યો હતો.
આ વાર્તાલાપ અંતર્ગત જન્મથી મૃત્યુ સુધીનું જીવન અને તેના વિવિધ પડાવો જેવા કે બાળપણ, જવાની અને વૃધ્ધત્વ વિશે ખૂબ જ સુંદર જ્ઞાન આપેલ. મહાત્મા ગાંધી સાથે આફ્રિકામાં થયેલ અન્યાય પરિણામ શું મળ્યું છે ? આફ્રિકામાં ફેલાયેલા મરકી રોગના પીડિતોની સેવા દરમિયાન તેઓ રસ્કિનના પુસ્તકના પરિચયમાં આવ્યા અને તેનામાં સેવાનું બીજ રોપાયું જેનું ફળ આપણે સૌ મેળવી રહ્યાં છીએ તેવા સુંદર ઉદાહરણ દ્વારા જીવનમાં ઘટતી દરેક ઘટના પાછળ કોઈ ચોક્કસ હેતુ અવશ્ય હોય છે તેવો ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ જીવનના વિવિધ માઈલસ્ટોન શ્રીમદ ભાગવત ગીતાના ઉપદેશ અનુસાર પ્રકૃતિના ગુણોના આધારે નિઃસ્વાર્થ કર્મો કરવા જ્ઞાન આપેલ. આવી જ રીતે જીવનનું અતિમ લક્ષ્ય, આત્મબળ વધારવા માટે શું કરવું ?, જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ, સમગ્ર જીવન એક પત્તાના મહેલ જેવું હોય છે. જેને હવાનું એક છોકું પણ હચમચાવી શકે છે. માટે પત્તાના મહેલરૂપી જીવનને મજબુત બનાવવા આંતરમનને મજબુત બનાવી યોગ્ય કર્મવાળુ જીવન જીવવું જોઈએ તેમ સમજાવ્યું હતું.
આ પ્રસંગે અંધ શાળાના માનદ મંત્રી મહેશભાઈ પાઠક, ટ્રેઝરર પંકજભાઈ ત્રિવેદી, આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા, ટ્રસ્ટી નીલાબેન સોનાણી, સંમિલિત શિક્ષણ યોજનાના વિશિષ્ટ શિક્ષકો, શાળાના શિક્ષકો અને બન્ને સંસ્થાના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.