ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મિડીયા પર બાળકોને ઉઠાવી જતી ગેંગ બાબતે સાચા-ખોટા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યાં છે. આ મેસેજના કારણે લોકોમાં પોતાના બાળકોને લઈ ભય ફેલાયો છે અને જાગૃતતા પણ આવી છે પરંતુ લોકો દ્વારા ફક્ત શંકાના આધારે કોઈને પકડી ઢોર માર મારવામાં આવે છે. જેના કારણે ગઈકાલે અમદાવાદમાં એક ભિક્ષુક મહિલાનું મોત નિપજ્યું છે. લોકોમાં બાળકોને લઈ જાગૃતતા આવી એ એક સારી વાત છે પણ કોઈને શંકાના આધારે પકડી તેની પૂછપરછ કરી પાકી ખરાઈ કરી બાદ સ્થાનિક પોલીસને સોંપી દેવું વધારે હિતાવહ કહેવાય નહીં કે ટોળા એકઠા થઈ કોઈ નિર્દોષને માર મારવો. ભાવનગર શહેરમાં બાળકોને ઉપાડી જનાર મહિલા ગેંગ સક્રિય થઈ હોવાની વાત વાયુવેગે શહેરભરમાં ફેલાઈ છે. જેનાથી લોકોમાં પોતાના બાળકોને લઈ ભયનો માહોલ છવાયો છે. સોમવારે તળાજા પંથકમાં ત્રણ ભિક્ષુકો ટોળાને ઝપટે ચડ્યા હતા. જ્યારે બોટાદમાં પણ એક મહિલા ભિક્ષુકને લોકોએ ઢીબી નાખી હતી તેમજ કુંભારવાડા વિસ્તારમાં વાલીઓ આવી અફવાના કારણે શાળાએ દોડી ગયા હતા અને પોતાના બાળકો સ્કુલે છે કે કેમ તેની ખરાઈ કરી હતી. જેમાં આજરોજ શહેરમાં બે બનાવ બનવા પામ્યા છે. શહેરના કરચલીયાપરા વાલ્કેટ ગેટ નજીક લોકોના ટોળા એક મહિલા ભિક્ષુકને શંકાના આધારે અટકાવી તેની પાસે રહેલા થેલાની ચકાસણી કરી તેને માર મારી પોલીસને જાણ કરી સોંપી દીધી હતી. જે અંગે ‘લોકસંસાર’ની ટીમ દ્વારા પોલીસમાં ખરાઈ કરતા તે મહિલા અસ્થિર મગજની અને ભિક્ષુક હોવાનું પોલીેસ જણાવ્યું હતું અને શહેરના ઘોઘારોડ પર સાંજના સુમારે લોકોએ એક યુવાનને શંકાના આધારે ઝડપ્યો હતો અને ટોળાએ ઢોર માર માર્યો હતો. કોઈ પણ જાતની ખરાઈ કે પૂછપરછ વગર યુવાનને માર મારી સ્થાનિક પોલીસને સોંપી દીધો છે. જે બાબતે પોલીસમાં તપાસ કરતા કોઈ પરપ્રાંતિય હોવાનું અને અલગ ભાષામાં વાત કરતો હોવાનું જણાવ્યું હતું. સોશ્યલ મિડીયા પર આવતા વિડીયો કે મેસેજની ખરાઈ કર્યા વગર કોઈએ ફોરવર્ડ ન કરવા જોઈએ તેમથજ અફવાઓ ન ફેલાવી જોઈએ તે કાયદામાં જોગવાઈ છે. આ બાબતે પોલીસ તંત્ર સક્રિય રીતે પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આવા ખોટા મેસેજ કે વિડીયોથી લોકોમાં ભયનો માહોલ ઉભો થાય છે. શહેરમાં બનેલા આજરોજ બે બનાવમાં લોકોએ મોબાઈલ ફોન પર મહિલા ભિક્ષુક અને પરપ્રાંતિય યુવાના વિડીયો-ફોટા પાડી સોશ્યલ મિડીયા પર વાયરલ કર્યા હતા અને મેસેજમાં લખ્યું હતું કે છોકરા ઉપાડી જતી ગેંગ ઝડપાઈ. જે મેસેજ તદ્દન ખોટા છે. જે અંગે પોલીસ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.