બિસ્માર રસ્તાઓની જવાબદારી એન્જીનિયરની : ગુજરાત હાઈકોર્ટ

1965

અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓના મામલે ગુજરાત હાઇકોર્ટે આજે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડા હાથે લઇ ખૂબ જ મહત્વના નિર્દેશો જારી કર્યા હતા. હાઇકોર્ટે શહેરના રસ્તાઓના સમારકામ મામલે આસીસ્ટન્ટ એન્જિનીયરની સીધી જવાબદારી નક્કી કરી હતી અને ઠરાવ્યું હતું કે, શહેરમાં રસ્તાઓનું સમારકામ યોગ્ય રીતે થાય તે જોવાની જવાબદારી આસીસ્ટન્ટ એન્જિનીયરની રહેશે. હાઇકોર્ટે રસ્તાઓના સમારકામની સમગ્ર કામગીરી પર સતત મોનીટરીંગ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સીટી એન્જિનીયરોને પણ કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે એક તબક્કે મહત્વની ટકોર કરી હતી કે, પ્રજાએ ચૂંટેલી પાંખની એ જવાબદારી છે કે તે પ્રજાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવે કારણ કે તે તેમની જવાબદારીમાં આવે છે. આ માટે સ્ટેન્ડિંગ કમીટીએ પણ પ્રોએકટીવ ભૂમિકા ભજવવાની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉભી કરવી જઇએ અને ઓનલાઇન ફરિયાદની સીસ્ટમ અને ટોલ ફ્રી નંબરની વ્યવસ્થા જાહેર કરવી જોઇએ. અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓને લઇ હાઇકોર્ટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકારના સત્તાવાળાઓને ઉદ્દેશીને કેટલાક મહત્વના આદેશો જારી કર્યા હતા. જેમાં હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, બિસ્માર રસ્તાઓના સમારકામ, રિસરફેસીંગ અને રિસ્ટોરેશનની જવાબદારી અમ્યુકો તંત્રની રહેશે. આસીસ્ટન્ટ સીટી એન્જિનીયરના સર્ટિફિકેટ વિના રસ્તાઓના રિસરફેસીંગની કામગીરી નહી થઇ શકે.  રસ્તાઓનું સમારકામ યોગ્ય રીતે થાય તે જોવાની તમામ જવાબદારી આસીસ્ટન્ટ સીટી એન્જિનીયરની રહેશે. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો આસીસ્ટન્ટ સીટી એન્જિનીયરે આપેલું સર્ટિફિકેટ ખોટું માલૂમ પડશે તો, એન્જિયરને ડિપાર્ટમેન્ટ વ્યકિતગત રીતે જવાબદાર ઠરાવી શકશે અને તેની સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરી શકશે. ડિફેકટ લાયબેલિટી પિરિયડમાં આવતાં રસ્તાઓ જે તે કોન્ટ્રાકટર્સ પાસે તાત્કાલિક સરખા કરાવવાની જવાબદારી અમ્યુકોની રહેશે. કોન્ટ્રાકટર પાસેથી લેવાતી સીકયોરીટી ડિપોઝીટ પરફોર્મન્સ સીકયોરીટી ડિપોઝીટ અને બેંક ગેરેંટીની રકમ અમ્યુકોએ વધારવી પડશે કે જેથી કોન્ટ્રાકટર તેના કામમાં આડોડાઇ કરે તો તેને ભારે દંડ ફટકારી શકાય. શહેરના રસ્તાઓનું કામ યોગ્ય રીતે થયું છે કે નહી તે સર્ટિફાઇ થયા બાદ જ કોન્ટ્રાકટરને અમ્યુકોએ નાણાંની ચૂકવણી કરવાની રહેશે. દરમ્યાન હાઇકોર્ટે રાજય સરકારને પણ મહત્વનો નિર્દેશ કર્યો હતો કે, અમદાવાદ શહેરની પેન્ડીંગ ટાઉન પ્લાનીંગ સ્કીમ રાજય સરકાર શકય એટલી ઝડપથી નિર્ણિત કરે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, અમદાવાદ શહેરને સ્માર્ટ સીટી કે મેટ્રો સીટી બનાવવાની જવાબદારી માત્ર તંત્રની નથી.

નાગરિકોની પણ એટલી જ ફરજ બને છે. પ્રજાજનોના સાથ સહકાર વિના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ શકય નથી. હાઇકોર્ટે મીડિયાની સકારાત્મક ભૂમિકાની પણ નોંધ લઇ સરાહના કરી હતી કે, લોકોને જાગૃત કરવામાં મીડિયાની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. શહેરને ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મીડિયાએ તેની ભૂમિકા અદા કરવાનું ચાલુ રાખવું જોઇએ.

Previous articleઇઝરાયલના સૌથી મોટા શેફડેનના ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત
Next articleજિલ્લાના ૩ તાલુકામાં વાવણી લાયક મેઘ મહેર