ગાંધીનગર જિલ્લાનાં વાયા ચિલોડા પસાર થતા નેશનલ હાઇ-વે નં ૮ પરથી વિદેશી દારૂની હેરાફેરી સતત વધી રહી છે. રાજસ્થાનને અમદાવાદ સાથે જોડતા આ માર્ગ પર પોલીસે વોચ સઘન કર્યા બાદ મુસાફર વાહનોમાં થતી દારૂની હેરાફેરી પરથી પડદો ઉંચકાઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગર આર આર સેલ તથા ચિલોડા પોલીસે ઇગલ ટ્રાવેલ્સની લકઝરી બસમાંથી રૂ.૧.૨૪ લાખનાં વિદેશી દારૂ સાથે ડ્રાઇવર તથા કંડકટરને ઝડપી લીધા હતા. લકઝરીની કિંમત રૂ.૧૫ લાખ ગણીને તેને પણ કબજે કરવામાં આવી છે. અગાઉ પણ આ જ બસમાંથી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ચિલોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર આર આર સેલની ટીમનાં જવાનો અહેકો જોગીન્દરસિંહ, મુકેશસિંહ તથા ના.પોકો નાગજીભાઇ ચિલોડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજસ્થાનનાં ભીલવાડાથી નિકળીને રાજકોટ જતી ઇગલ ટ્રાવેલ્સની બસ નં જીજે ૦૩ વાય ૦૮૫૩માં વિદેશી દારૂ લઇ જવાતો હોવાની બાતમી નાગજીભાઇને મળી હતી.
બાતમીનાં આધારે ચિલોડા પોલીસ સ્ટેશનનાં પીઆઇ એલ ડી વાઘેલાની ટીમને સાથે રાખીને વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન આ બસ આવતા રોકવીને બસમા તથા ડીકીમાં તપાસ કરતા મિણીયાનાં કોથળા મળી આવ્યા હતા. જે ખોલીને તપાસ કરતા ૨૬ પેટીઓમાંથી રૂ. ૧,૨૪,૮૦૦ ની કિંમતનો ૩૧૨ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જેના પગલે બસનાં ડ્રાઇવર વિજય નારણજી સેન (રહે બેદલા, ઉદેપુર, રાજસ્થાન )તથા કલીનર સોહનલાલ મણીલાલ પ્રજાપતિ (રહે થુર, તા ગીરવા, જી ઉદેપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ, બે મોબાઇલ થતા બસ સહિત મળી કુલ રૂ.૧૬.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પહેલા પણ રાજસ્થાન-રાજકોટ રૂટની ઇગલની ટ્રાવેલ્સમાંથી દારૂ પકડાઇ ચુક્યો છે. ગાંધીનગર આરઆર સેલની ટીમે બસમાંથી ૩૧૨ બોટલ સહિત બે શખસને ઝડપી લીધા હતા.