કેન્દ્ર સરકાર હવે શાળાઓ સાથે સંકળાયેલી મધ્યાહ્ન ભોજન યોજનાને વધુ પારદર્શક બનાવવા જઇ રહી છે. સરકારે મધ્યાહ્ન ભોજન યોજનાને વધુ પારદર્શક બનાવવા તેમજ તેમાં થતા ગોટાળા અને કૌભાંડોને નિવારવા માટે ઉચ્ચ સ્તરે એક યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ હવે તમામ રાજ્યએ દર મહિને મધ્યાહ્ન ભોજન યોજનાનાં લાભાર્થી બાળકોની સાચી સંખ્યા જાહેર કરવી પડશે. જે રાજ્ય લાભાર્થી બાળકોની સાચી સંખ્યા જાહેર નહીં કરે તેમની નાણાકીય સહાય અટકાવી દેવામાં આવશે. આ યોજના હેઠળ અત્યાર સુધી રાજ્ય દ્વારા લાભાર્થીઓની સાચી અને ચોક્કસ સંખ્યા દર્શાવવાના બદલે સરેરાશ સંખ્યા બતાવવામાં આવતી હતી એટલું જ નહીં, રાજ્ય દ્વારા લાભાર્થી બાળકોની સરેરાશ સંખ્યા ત્રણથી છ મહિને મોકલવામાં આવતી હતી.
આમ, લાભાર્થીઓની સરેરાશ સંખ્યા બતાવીને રાજ્ય કેન્દ્ર તરફથી નાણાકીય સહાય મેળવતા હતા. કેન્દ્ર સરકારની આ યોજના સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર સરેરાશ સંખ્યાની આડમાં રાજ્યોમાં મધ્યાહ્ન ભોજનાના નામે ભારે ગોટાળા આચરાતા હતા.
હવે મધ્યાહ્ન ભોજન યોજનાને ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) સ્કીમની જેમ પારદર્શી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ માટે રાજ્યએ દર મહિને આધાર સાથે લિંક ધરાવતાં લાભાર્થી બાળકોની ચોક્કસ સંખ્યા જણાવવી પડશે.સરકારનો આશય તેની પાછળ એ છે કે કોઇ પણ જરૂરતમંદ બાળક આ યોજનાના લાભથી વંચિત ન રહી જાય. સાથે જ વધુ સંખ્યા બતાવીને રાજ્ય તરફથી જે વધુ ભંડોળ લેવામાં આવતું હતું તેના પર હવે તાત્કાલિક બ્રેક લાગી જશે. જે રાજઢય લાભાર્થીઓની સંખ્યા આધારકાર્ડના આધારે બતાવવામાં નિષ્ફળ જશે તેમની નાણાકીય મદદ રોકી દેવાશે. આ ઉપરાંત સરકારે મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા વધુ સારી બનાવવા માટે સોશિયલ ઓડિટ કરાવવાની દિશામાં કામ શરૂ કર્યું છે.