આજે તા. ૨૮ જુન ના રોજ સવારે ૧૧/૧૫ થી બપોરના ૧૩/૧૫ કલાક સુધી સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર ના હસ્તે ભાવનગરના ફુલસર ગામે રૂપિયા ૪.૩૫ કરોડના ખર્ચે બે વર્ષના સમયગાળામાં નિર્માણ પામેલા કુલ ૨૨ રૂમની સુવિધાવાળા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે તક્તીનું અનાવરણ કરી દીપ પ્રાગટ્ય કરી અને મંત્રી પરમારે જણાવ્યું હતું કે શોષિત, પકડાયેલાં, તરછોડાયેલા બાળકોના રક્ષણ,જતન, સંભાળ, વિકાસ માટે આ પ્રકારના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજયમાં નિર્માણ થઈ રહ્યા છે આ મકાનમાં રહી બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે અનુસુચિત જાતિના વિધાર્થીઓ માટેની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરી અને ઉમેર્યુ હતું કે ચાલુ વર્ષે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં ૨૭.૪૧ ટકાનો વધારો કરાયો છે.
આ પ્રસંગે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ચિલ્ડ્રન હોમ થકી સમાજના તરછોડાયેલા બાળકને સમાજ જીવનના મુખ્ય પ્રવાહમાં લાવવા રાજય સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ આયોગના અધ્યક્ષા જાગ્રુતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજનામાં જરૂરી સુધારો લાવી બાળક ૧૮ વર્ષની ઉંમરનું થાય ત્યાં સુધી તેના પાલક માતા-પિતાને રૂપિયા ૩ હજાર આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચૌધરી, સમાજ સુરક્ષા નાયબ નિયામક્ એન. કે. પરમાર, મહિલા અને બાળ કલ્યાણ આયોગના ડીરેકટર પ્રભાબેન પટેલ,મેયર મનભા મોરી, નાયબ મેયર બારૈયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ યુવરાજસિંહ, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, પ્રાંત અધિકારી મૈયાણી, સીટી મામલતદાર વિજ્યાબેન પરમાર, સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, ચિલ્ડ્રન હોમના અધિક્ષક, સ્ટાફ, બાળકો તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.