ગુજરાતમાં એક બાજુ શિક્ષણ મોંઘું થતું જાય છે તો બીજી બાજુ ગુજરાત સરકાર રાજ્યમાં ગ્રાન્ટેડ કે સરકારી કોલેજો શરૂ કરવાને બદલે ખાનગી કોલેજોને વધુ મંજૂરી આપી છે. વાલી-વિદ્યાર્થીઓને વધુ આર્થિક બોજો આપી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યના ૧૧ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની એક પણ સરકારી કોલેજ નથી. આ ઉપરાંત ૮ જિલ્લામાં એક પણ ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની કોલેજને ગુજરાત સરકારે મંજૂરી આપી નથી. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે એક પણ સરકારી કે ગ્રાન્ટેડ સાયન્સ કોલેજ મંજૂરી આપી નથી. એટલું જ નહીં, તેની સામે બે વર્ષમાં સાડા ચાર ગણી ખાનગી કોલેજોને આડેધડ મંજૂરી આપી દીધી છે.
આ જિલ્લાઓમાં નથી સરકારી સાયન્સ કોલેજ રાજ્યના અરવલ્લી મહીસાગર, મોરબી, વડોદરા, બોટાદ, દ્વારકા, નર્મદા, ખેડા, આણંદ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં એક પણ વિજ્ઞાન પ્રવાહની સરકારી સાયન્સ કોલેજ નથી. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને દ્વારકામાં એક પણ ગ્રાન્ટેડ કોલેજ નથી. તે જોતાં રાજ્ય સરકાર શિક્ષણમાંથી પોતાનો હાથ ખંખેરીને ખાનગી સંચાલકોને છુટ્ટો દોર આપી રહી હોવાનું સ્પષ્ટ થાય છે.
રાજ્યમાં હાલ ૩૧ સરકારી સાયન્સ કોલેજો તથા ૪૭ ગ્રાન્ટેડ કોલેજ મળી કુલ ૭૮ કોલેજો છે. તેની સામે ખાનગી કોલેજોની સંખ્યા ૧૮૪ છે.
છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે એક પણ ગ્રાન્ટેડ કોલેજને મંજૂરી આપી નથી પરંતુ ૬૯ સાયન્સ કોલેજ મંજૂરી આપી છે.