આજે રવિવારે સવારે વિશ્વ વૃધ્ધદિન નિમિત્તે ભાવનગર વૃધ્ધાશ્રમ દ્વારા શહેરના બે વડીલ વૃધ્ધ કે જેઓની ઉંમર ૧૦૦ વર્ષ કરતા વધુ છે તેવા પરમાર રતનબેન ભગવાનભાઈ તથા પ્રભાશંકરભાઈ પંડયા એ બન્ને વડીલોનું સન્માન કરી તેઓને બગીમાં બેસાડી વૃધ્ધાશ્રમના વડીલોની પ્રભાત ફેરીમાં સાથે ફેરવ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ સવારે ૭ વાગે ર૦૦ જેટલા વૃધ્ધ વડીલ ભાઈઓ-બહેનોની પ્રભાત ફેરી વૃધ્ધાશ્રમથી નિકળી આંબાવાડી તથા ઘોઘાસર્કલ ફરી પરત વૃધ્ધાશ્રમ આવી હતી. આમાં વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓ તથા વૃધ્ધાશ્રમનો સ્ટાફ પણ જોડાયો હતો. ત્યારબાદ આજના મુખ્ય અતિથિ સંત સીતારામબાપુનું સંસ્થાના મંત્રી બુધાભાઈ પટેલે શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું. ૧૦૦ વર્ષના રતનબેનને ટ્રસ્ટી દેવેનભાઈ શેઠે શાલ ઓઢાડી તેમજ ૧૦ર વર્ષના પ્રભાશંકરભાઈ પંડયાને ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહે શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. સીતારામબાપુએ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય વડીલોને આપ્યું હતું. સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટર તરીકેની સેવા આપી રહેલા ડો.શરદભાઈ પારેખનું સન્માન ટ્રસ્ટી અચ્યુતભાઈએ કર્યુ હતું. સંસ્થામાં બે દિવસ યોજાઈ ગયેલ અલગ અલગ રમત-ગમતોના વિજેતાઓને ટ્રસ્ટી લતાબેન શાહ દ્વારા ઈનામ વિતરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી હર્ષદભાઈ શેઠે આશ્રમવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.