શહેરમાં ફરસાણ અને ફાફડા ગાંઠિયા ખમણનો કરોડોનો વેપાર થાય છે. મોંઘા ભાવે વેચાતાં ફરસાણ કે સવારના નાસ્તામાં લોકો હોંશે હોંશે ઝાપટે છે, જેનો ફાયદો ફરસાણવાળા લઈ રહ્યા છે. એક તબક્કે દાળના ભાવો આસમાને હતા ત્યારે ફરસાણના ભાવ વધારી દેનારા વેપારીઓ અત્યારે તેલ અને બેસનના ભાવો તળિયે ગયા હોવા છતાં ભાવ ઘટાડાનું નામ લેતા નથી.ગત વર્ષે ૨૦૧૯ ઓક્ટોબરમાં ફરસાણના ભાવોમાં ૨૦થી ૩૦ ટકા ભાવવધારો ઝિંકાયો હતો. જેના કારણે લોકોની દિવાળીની રોનક ફિક્કી બની હતી. હાલમાં તમામ ફરસાણનો ભાવ રૂ. ૨૦૦થી ૩૦૦ ચાલી રહ્યો છે જે એક વર્ષ પહેલાં ૧૮૦થી ૨૨૫ હતો. પેકિંગમાં વેચાતાં ફરસાણ તો તેનાથી પણ મોંઘાં વેચાણ થઈ રહ્યાં છે.
બેસનનો એક મહિના પહેલાં સ્ટાન્ડર્ડ ભાવ રૂ. ૭૫૦૦નો ૨૫ કિલો હતો, જ્યારે તેનાથી થોડી ઊતરતી કક્ષાનું બેસન ૬૦૦૦માં મળતું હતું. હાલમાં ફરસાણના વેપારીઓ રૂ. ૩૦૦ના કિલો ફાફડા, ઝીણા ગાંઠિયા રૂ. ૨૫૦થી ૨૫૦, વણેલા ગાંઠિયા રૂ. ૩૦૦, ફૂલવડી રૂ. ૨૫૦ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ હાલમાં બેસનના ભાવ ૩૫૦૦ થઈ ગયા છે. જ્યારે તેનાથી બી ગ્રેડનું બેસન રૂ. ૨૮૦નું થયું છે. છતાં ખમણ, ભજિયા, ખાંડવી, દાળવડાના ભાવ એના એ જ છે.ફરસાણ અને મીઠાઈ એસોસીએેશનના પ્રમુખ મુરલીધર અગ્રવાલે જણાવ્યું હતું કે ભાવોમાં વધઘટ થયા જ કરે છે, પરંતુ મજૂરી હવે ખૂબ જ મોંઘી થઈ ગઈ છે. દાળના ભાવો વધારે હતા તેનાં પ્રમાણમાં ફરસાણના ભાવ વધાર્યા ન હતા. આ ઉપરાંત પેકિંગ કરેલા ફરસાણ પર ૧૨ ટકા જીએસટી લાગે છે.
હાલમાં કપાસિયા તેલનો ડબ્બો રૂ. ૧૧૦૦થી ૧૨૦૦માં વેચાય છે, જ્યારે સિંગતેલનો ભાવ ૧૬ લિટર ડબ્બાનો ભાવ રૂ. ૧૪૦૦ છે. જો ફરસાણના ભાવોમાં રૂ. ૧૦૦નો કિલો દીઠ ઘટાડો થાય તો પણ વેપારીઓ નફો કરી શકે. કેટલાંક ફરસાણ તો પામ ઓઈલમાં પણ બને છે. છતાં ફરસાણના ભાવ એના એ જ છે.બીજી તરફ બેસનમાંથી બનતી મીઠાઈ બેસન સસ્તું થયું હોવા છતાં ઓછા ભાવે મળતી નથી. મોહનથાળ, બેસનના લાડુ, મગસ વગેરેના ભાવો એના એ જ છે.
રૂ. ૧૫૦થી ૧૮૦ની વેચાતી દાળ હવે રૂ. ૬૦ની કિલો મળી રહી છે. બેસન રૂ. ૫૫થી ૬૦ પ્રતિ કિલો મળી રહ્યું છે. તેલના ભાવ ઘટ્યા છે છતાં દાળવડાં, મેથીના ગોટા, ભજિયાં અને ફાફડા, ગાંઠિયા સહિતના કિલોના ભાવ રૂ. ૩૦૦થી ૩૫૦ ચાલી રહ્યા છે.
તહેવારો હવે નજીક આવી રહ્યા છે ત્યારે ફરસાણ અને મીઠાઈનો ધંધો તેજીમાં ચાલશે. આ સમયે તંત્રની ચુપકીદી પણ લોકો માટે લપડાક સમાન છે. ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ મૂકેશભાઈ પરીખે જણાવ્યું હતું કે બેસન સહિત દાળ, તેલ અને મસાલાના ભાવ ઘટ્યા છે. તેમજ જીએસટી ગ્રાહક પાસેથી વસુલાય છે તો પછી ફરાસણના ભાવ ઘટતા નથી તેના માટે અમે ફરસાણ એસોસિયેશન અને સરકાર સુધી રજૂઆત કરીશું.