તનાવ પૂર્ણ જીવનશૈલીના કારણે હૃદયરોગ સંબંધિત બિમારીઓનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે રાજ્યમાં સૌ પ્રથમવાર ભાવનગર જિલ્લામાં આવા દર્દીઓની સારસંભાળ એટલે કે નિદાનથી સારવાર સુધીનું સુચારૂ આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ‘યોજના ધડકન’દ્વારા દર્દીઓને લાભ મળનાર છે.
ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના નેતૃત્વ માર્ગદર્શનથી હૃદયરોગના દર્દીઓની ધડકન યોજના ધડકન સુધારશે જે માટે ખાસ ઉપકરણો વસાવાયા છે અને અત્યાધુનિક સંદેશ પ્રણાલિથી દર્દીઓની તબિયતની જાણ જે તે સારવાર કેન્દ્રો સુધી મોકલી શસ્ત્રક્રિયા કે સારવાર માટે ખસેડવામાં આવનાર છે. આરોગ્ય શાખાની મુખ્ય જવાબદારી સાથે ‘યોજના ધડકન’અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પટેલે આપેલી વિગતો મુજબ ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં પસંદ કરાયેલા સરકારી દવાખાના એટલે કે ત્રણ પેટા જિલ્લા દવાખાના ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આ સુવિધા પ્રાપ્ત થનાર છે. યોજના ધડકન માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અતંર્ગત જિલ્લાના દર્દીઓની પ્રાથમિક નિદાન કામગીરી જે તે નિયત સ્થાનિક દવાખાના કે આરોગ્ય કેન્દ્રો મારફતે કરાયા બાદ તરત જ તેને મુખ્ય સારવાર કેન્દ્રો સાથે ઉપગ્રહ આધારિત સંદેશ પ્રણાલિથી જોડી જિવંત ચિતાર આપી તરત જ તેનું નિદાન મેળવાશે આવા દર્દીઓની સારવાર માટે ભાવનગર સ્થિત એસસીજી હોસ્પિટલ તથા બજરંગદાસ બાપા આરોગ્ય ધામ સાથે સાથે સમજુતી કરાર કરવામાં આવ્યા છે. આ પ્રકિયા માટે ભારતીય તાંત્રિકી સંસ્થા (આઈઆઈટી)પીડીલાઈટ અંતર્ગત (ઉબેદ ડાયગ્નોસ્ટીક ટેલીસીસી) ઉપકરણો સાધનો મુકાયા છે. હૃદયરોગ માટે સારવાર ખર્ચ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પટેલે જણાવ્યા મુજબ આવા લાયક દર્દીઓને સરકારની આ વાત્સ્લય અમૃતમ જેવી યોજના સાથે સાંકળવામાં આવશે જેથી આવી સારવાર માટે ગરીબ મધ્યમવર્ગના દર્દીઓને કોઈ ચિંતા રહેશે નહી. આ ઉપરાંત આયુકેર ઉપકરણઓ પણ જિલ્લા દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉપકરણો પણ જિલ્લા દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. દોડાદોડી અને તનાવપૂર્ણ જીવનશૈલીના કારણે હૃદયરોગ સંબંધીત બિમારીઓનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે આવા દર્દીઓની ધડકન સુધારશે યોજના ધડકન જિલ્લા આરોગ્ય તંત્રના સૌ અધિકારીઓ, તબીબો કર્મચારીઓની પ્રશસ્ય કામગીરી રહેશે આ સુવિધા ક્રમશઃ તમામ સરકારી દવાખાના અને કેન્દ્રોમાં પહોચતી કરવામાં આવનાર છે.
યોજના ધડકન સમાવિષ્ટ કેન્દ્રો
પેટા જિલ્લા દવાખાનું – પાલીતાણા
પેટા જિલ્લા દવાખાનું – મહુવા
પેટા જિલ્લા દવાખાનું – તળાજા
સામુહિક આરોગ્ય કેન્દ્ર – સિહોર
સામુહિક આરોગ્ય કેન્દ્ર – ઉમરાળા
સામુહિક આરોગ્ય કેન્દ્ર – બગદાણા
સામુહિક આરોગ્ય કેન્દ્ર – કોળિયાક
સામુહિક આરોગ્ય કેન્દ્ર – ફરિયાદકા
સામુહિક આરોગ્ય કેન્દ્ર – પાટણા
સામુહિક આરોગ્ય કેન્દ્ર – વાળુકડ (ઘોઘા)
રાષ્ટ્રીય તબીબ દિવસ રવિવારે ‘ધડકન’યોજના ખુલ્લી મુકાશે
આરોગ્ય શાળા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા રાષ્ટ્રીય તબીબ દિવસ ૧ જુલાઈ રવિવારે ‘ધડકન’યોજના ખુલ્લી મુકાશે. જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન અને જિલ્લા આરોગ્ય અધિકારીના સંકલન સાથે જિલ્લા પંચાયત સભાગૃહમાં રવિવારે મહાનુભાવોની ઉપસ્થિતી સાથે સવારે ૧૧ કલાકે ‘ધડકન’યોજના ખુલ્લી મુકાશે જે માટે આરોગ્ય શાખાના કર્મચારીઓ તડામાર તૈયારીમાં છે. અહી તમારા સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ, કર્મચારીઓ પણ જોડાનાર છે.
આયુકેર ઉપકરણ સુવિધા કેન્દ્રો
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘોઘા), પાટણા, ટાણા, સોનગઢ, માનગઢ, ત્રાપજ, કુંભણ, બિલા, રંઘોળા, તથા ફરિયાદકા.