તિર્થનગરી પાલીતાણામાં આવેલ સરકારી માનસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને લોહીની જરૂર હોય તો બહારથી ઉંચી કિંમતે ખરીદવું ન પડે તેથી માનસિંહજી હોસ્પિટલ ખાતે બ્લડબેંકનો પ્રારંભ કરાયો. જેમાં દિવસ અને રાત્રિના બે લેબટેકનીશ્યન પણ રાખેલ છે પરંતુ રાત્રિના સમયના લેબ ટેકનીશ્યન મોટેભાગે ઘરે રહેતા હોય તેમજ નિયમિત હાજર હોતા નથી. તેવું દર્દીઓ દ્વારા ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે હોસ્પિટલ સત્તાધીશોને ખબર હોવા છતા કોઈ પગલા ભરાતા નથી તેમજ સવારે જે લેબ ટેકનીશ્યન બહારગામથી આવતા હોવાથી અનિયમિત હોવાની બુમરાણ ઉઠવા પામી છે. સ્ટાફની અનિયમિતતાથી દર્દીઓ ઉપર અસર પડે છે તેમજ છેલ્લા ઘણા દિવસોથી બ્લડ બેંકમાં કોઈ ગ્રુપનું બ્લડ જ નથી. કુલ ૪ ગ્રુપ હોય છે. જેમાં પોઝીટીવ, નેગેટીવ થઈ કુલ ૮ ગ્રુપ હોય છે. જેના દરેક પ યુનિટ બ્લડ રાખવું પડે છે પરંતુ માનસિંહજી હોસ્પિટલમાં એક પણ યુનિટ કોઈપણ ગ્રુપનું નથી તેવું સ્વીકાર રાત્રિના લેબ ટેકનીશ્યનને કરેલ છે. માનસિંહજી હોસ્પિટલમાં બ્લડ રૂા.૩૮૦માં મળે છે પરંતુ ત્યાં ન હોવાથી અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાંથી લેવું પડે તો દર્દીને રૂા.૧૧૦૦ થી ૧૬૦૦ સુધી ચુકવવા પડે છે. આમ હાલ બ્લડ બેંકમાં બ્લડ ન હોવાથી દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાત્કાલિક અસરથી બ્લડ નિયમિત મળી રહે તેમજ લેબ ટેકનીશ્યન સમયસર હાજર રહે તેવું દર્દીઓ ઈચ્છી રહ્યાં છે.