શહેરના બોરતળાવ વોર્ડમાં દોઢ વર્ષ કરતા વધુ સમયથી ‘વિકાસ’ના કાર્યો ખોવાયા છે. બે વર્ષથી એક કિલોમીટર લાંબા રસ્તાનું કાર્ય કોઈ કારણસર અધુરૂ છોડી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ ડ્રેનેજ તથા પાણીની લાઈન પાથરવાનું કામ પૂર્ણ કર્યુ ન હોય જેને લઈને સ્થાનિકો અપાર યાતનાઓ વેઠી રહ્યાં છે.ભાવનગર મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા અને બોરતળાવ વોર્ડના કોર્પોરેટર જયદિપસિંહ ગોહિલના વોર્ડમાં અનેક લોકપ્રશ્નોને લઈને લોકો ભારે વ્યથિથ છે. બોરતળાવ બાલવાટીકાથી શરૂ કરીને અંદરની અનેક સોસાયટીઓ, વસાહતોને જોડતો આશરે ૧ કિલોમીટરનો રોડને નવો બનાવવાનું કાર્ય મહાપાલિકા દ્વારા દોઢ વર્ષ પૂર્વે હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ નિર્માણ કાર્ય શરૂ થયાના ગણતરીના દિવસોમાં કામ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ડ્રેનેજ લાઈન પાથરવાની શરૂઆત કરવામાં આવી કા કામમાં પણ ઠેકઠેકાણે જોડાણો મેનહોલ સહિતનું કામ બાકી છે. ત્યારબાદ પાણીની નવી લાઈન નાખવા માટે ખોદકામ શરૂ કર્યુ જે હાલના તબક્કે પણ અધુરૂ છે. પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન પાથરવાની કામગીરીના કારણે રોડ હતો નહોતો થઈ જવા પામ્યો છે. આ માર્ગ પર વાહન ચલાવવું તો દુરની વાત પગપાળા પસાર થવું પણ લોકો માટે દુષ્કર થઈ પડ્યું છે.
જાહેર માર્ગો પર કરેલા મસમોટા ખાડાને લઈને મોટી જાનહાનીની શક્યતાઓ બળવત્તર બની છે. આ ઉપરાંત નાની-મોટી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. બિસ્માર માર્ગ મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો, વૃધ્ધો, બાળકો ઉપર જોખમની તલવાર હંમેશા લટકતી રહે છે.
આ પ્રશ્નને લઈને સ્થાનિકો દ્વારા આ વિસ્તારના કોર્પોરેટરથી લઈને મેયર-કમિશ્નર અને જવાબદાર અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરવા છતા આ પ્રશ્ન ઉકેલ અર્થે કોઈપણ વ્યક્તિએ તસ્દી સુધ્ધા લીધી નથી. ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સ્થાનિકો આ પ્રાણપ્રશ્નનો કિેલ નહીં આવે તો મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી પણ લોકોએ ઉચ્ચારી છે.