બોટાદ જિ.પં. ચેરમેન લાંચ લેતા ઝડપાયા

1787

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને સભ્ય ખેતીની જમીન બિનખેતી કરી આપવા માટે રૂા.૮૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ બનાવથી રાજકિય વર્તુળોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરના જેલ રોડ વિસ્તારમાં રહેતા અને બોટાદ ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એડવોકેટ હરેશભાઈ ડોડીયા ઉ.વ.૪૮એ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ તેમજ સેવાકિય કાર્યો માટે વલ્લભીપુર પાસે આવેલા કારીયા ગામની ઢાળ પાસેની ૧૦ હજાર મીટર જમીન ખેતીમાંથી બિનખેતી કરાવવા માટે બોટાદ જિ.પં. કારોબારી સમિતિમાં અરજી કરી હતી. આ સંદર્ભે કારોબારી સમિતિના ચેરમેન ચીમન બાબુભાઈ ખંભાળીયા અને સભ્ય ઈશ્વર નરશીભાઈ ભરાડીયાએ એક મીટર દીઠ આઠ રૂપિયા લેખે ૮૦ હજારની લાંચ માંગી હતી.

આ અંગે હરેશ ડોડીયાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરતા આજે બોટાદ જિ.પં. બિલ્ડીંગમાં કારોબારી સમિતિની ઓફિસમાં લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને આ રકમ રૂા.૮૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપી લીધા હતા.

આ બન્ને લાંચીયા પદાધિકારીઓ કોંગ્રેસની ટિકીટ ઉપર ચૂંટાયેલા છે. જો કે આ બન્ને અગાઉ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા પણ પાટીદાર અનામત આંદોલન પછી કોંગ્રેસમાં જોડાયેલા અને કોંગ્રેસની ટીકીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. જો કે ર૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે બોટાદ ધારાસભ્ય પદના ઉમેદવાર સૌરભ પટેલના સમર્થનમાં ભાજપને ટેકો જાહેર કર્યો હતો પરંતુ હજુ સુધી કોંગ્રેસ પક્ષે બન્ને નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા નથી તેથી તેઓ કોંગ્રેસના હોવાનું મનાય છે ત્યારે કોંગ્રેસ દ્વારા બન્ને પોતાના પક્ષના નથી અને સોશ્યલ મિડીયામાં કોંગ્રેસને બદનામ કરાતા હોવાના આક્ષેપો કરાઈ રહ્યાં હોવાનું જણાવાઈ રહ્યું છે. આ અંગે એસીબીએ બન્ને વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરોધી કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે ત્યારે આ બનાવથી બોટાદ સહિત રાજ્યભરમાં રાજકિય વર્તુળોમાં ચક્ચાર મચી જવા પામી છે.

Previous articleભગવાન જગન્નાથજીનાં રથની તૈયારી…
Next articleજેસીબી અને સફાઈ કામદારો દ્વારા શરૂ થયેલી સઘન કામગીરી