પાટણની એક મહિલાએ ગાંધીનગર સચીવલાયના ગેટ નંબર ૧ પાસે ઝેરી દ્રવ્ય પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. મહિલાને તાત્કાલિક સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.
શાંતાબેન ભરવાડના નામની મહિલાના પતિ ગોપાલ ભરવાડનું માનીએ તો પાટણ જિલ્લાના સમી તાલુકાના દુધકા રોડ ઉપર તેમના અપંગ સસરાની અઢી વિઘા જમીન આવેલી છે. જેના ઉપર અદાણી કંપનીએ વર્ષ ૨૦૦૮માં દબાણ કર્યુ હતું. તેઓએ અનેક રજુઆતો કરી પરંતુ પરિણામ ન આવતા વર્ષ ૨૦૧૧માં કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટે પણ ૨૦૧૪માં દબાણ હટાવીને મહિલાને કબ્જો અપાવવા આદેશ કર્યો હતો.
પરંતુ પોલીસે તેમને સહયોગ ન કર્યો, ઉલ્ટાનુ જ્યારે આ પરિવાર દબાણ હટાવવા ગયો ત્યારે પોલીસે તેમની આટકાયત કરી હતી. તે બાદ ઝ્રસ્ સ્વાગત ઓન લાઇનથી માંડી અનેક પ્રધાનોને આ અંગે રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવાયા ન હતા, શાતા બેન ભરવાડે અંતે શનિવારે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ મુદ્દે પોલીસે ઓન કેમેરા કઇ નથી કહ્યુ પણ ઓફ કેમેરા કહ્યુ કે આ મહિલાઓ આ જમીન નહી મળે તો પાટણ એસપી કચેરી અથવા સચીવાલય સામે આત્મ વિલોપનની ચીમકી આપી હતી. ચાર દિવસથી તેને પોલીસ ટ્રેપ રાખી હતી, પણ તે ત્યાંથી પોલીસને થાપ આપી ગાંધીનગર આવી પહોચી હતી.