જુનાગઢ વૃદ્ધ નિકેતન સંસ્થા અને સત્યમ સેવા યુવક મંડળ ઉપક્રમે વૃદ્ધાશ્રમમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં વૃદ્ધોની હાલત દયનીય અને ખરાબ અને સરકારે ભવિષ્યમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે તેવી નાજુક પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો. જીવતા વૃદ્ધ મા-બાપ લાગણીવશ ઉતાવળમાં પોતાના સંતાનોને મિલ્કત-સંપત્તિની વહેંચણી કરતાં પહેલા ભવિષ્યને ધ્યાનમાં રાખવા સંબંધી સુચનનો-સાવધાનીની વિસ્તૃત માહિત આપવામાં આવી હતી. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ વૃદ્ધોના એક સર્વેક્ષણ અહેવાલના આધારે વિગત આપતા જણાવ્યું કે ભારતમાં આશરે ૧રપ કરોડની વસ્તીમાં ૧૦ કરોડ લોકો મોટી ઉંમરના કે પ્રૌઢ છે. આમાંના ૯૦ ટકા વૃદ્ધો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક યા બીજી રીતે કામમાં રચ્યાપચ્યાં રહે છે. વયસ્કોની સુખાકારીને સંબંધ છે ત્યાં સુધી ભારતમાં વૃદ્ધોની હાલત દયનીય અને ખરાબ છે. ૯૧ દેશોના સર્વેમાં સુખાકારીમાં ભારતનો ક્રમાંક ૭૩ મો આવે છે, જે વિચાર માગી લે છે.
સર્વેમાં વૃદ્ધોની આવકની સલામતી, તંદુરસ્તી, રોજગારી અને શિક્ષણ અને પર્યાવરણ એમ પાંચ માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તમામ માપદંડોમાં ભારતનો દેખાવ, પરિસ્થિતિ નબળી સાબિત થઈ હતી. વૃદ્ધોની તંદુરસ્તીની બાબતમાં ભારતનો છેક ૮પ મો નંબર આવ્યો હતો.
ભારતમાં મોટી ઉંમરના અને પ્રૌઢ લાગણીવશ ઉતાવળમાં મિલ્કત, સંપત્તિની વહેંચણી કરી પોતાના પગ ઉપર કુહાડો મારવાની સ્થિતિ પેદા કરે છે. તેમાં અમુક પોતાના સંતાનો સારસંભાળ રાખતા નથી, તરછોડે, અપમાન અને વૃદ્ધ મહિલાને ઘરકામની સોંપણી કરી અતિ દયાજનક સ્થિતિમાં મુકવામાં આવે છે તેથી વૃદ્ધ મા-બાપને સાવધાની રાખવા સંબંધી સુચનો કરવામાં આવ્યા હતા. અશક્ત, બિમારીની હાલતમાં દયા ઉપર જીવવા મજબુરી પેદા ન થાય તે સંબંધી ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને વૃદ્ધ પુરૂષના મૃત્યુ પછી વૃદ્ધ મહિલાને અનેક પ્રકારે ઘરના સદસ્યોનો સામનો કરવો પડે છે. તેથી વિવેકબુદ્ધિથી મિલ્કત, સંપત્તિની વહેંચણી કરવી જોઈએ. જે વૃદ્ધ પુરૂષ-મહિલા પાસે આવકનો સ્તોત્ર જ નથી તેને અનેક પ્રકારે પીડા સહન કરવાનો અવસર આવે છે. આજે ભારતમાં વૃદ્ધો માટે ધાર્મિક સ્થાન ટૂંકાગાળાનું આશ્રય સ્થાન સાબિત થાય છે. અશક્ત-બિમાર વૃદ્ધો પડખે વર્તમાન સમયે કોણ પડખે ઉભા રહે છે તેની માહિતી આપી હતી.